- કાલથી 10 માર્ચ સુધી ઉજવણી: રવિવારે ગુજરાતથી ક્ધયાકુમારી સુધી સાયકલ રેલી
ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરીટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે ખડેપગે રહે છે. જે સંદર્ભે રાજકોટના એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત સીઆઈએસએફ યુનિટની સ્થાપના વર્ષ 2000માં થતાં 7 માર્ચે 25 વર્ષ પૂર્ણ થશે.
આ ઐતિહાસિક સિધ્ધિને યાદ કરવા સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ શિરસ્વાએ જણાવ્યું હતું કે, તા. 4 થી 10 માર્ચ સુધી વિવિધ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ રજત જયંતિ ઉજવણી ફક્ત એક ઉત્સવ નહીં પરંતુ સુરક્ષા, સમાજ સેવા અને સમુદાયની ભાગીદારીનું ઉદાહરણ હશે. જે અન્વયે તા. 4 માર્ચે રાજકોટમાં સી.આઈ એસ એફ યુનિટ લાઈન એ.એ.આઈ.કોલોની ખાતે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મીલેટ્સ મેળાનું આયોજન થશે. તા. 5/ ના રોજ હિરાસર બામણબોર ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. તા. 7 ના રોજ હીરાસર એરપોર્ટ ખાતે સવારે 10થી 11.30 સુધી સી.આઈ.એસ.એફ.ના કમાન્ડો દ્વારા ક્વિક રીએકશન ટીમના કમાન્ડો દ્વારા વિવિધ કરતબ કરવામાં આવશે ઉપરાંત ડોગ શોનું આયોજન થશે. તા. 8 ના રોજ રોટરી ક્લબના સહયોગથી સી.આઈ એસ એફ યુનિટ લાઈન કોલોની ખાતે સવારે 8 વાગ્યાથી મેડીકલ કેમ્પનું આયોજન કરાશે. તા. 9 ના રોજ ભારતના ગુજરાત અને પશ્ચિમ બંગાળ એમ બંને રાજ્યથી ક્ધયાકુમારી સુધી સાયકલ રેલીનું આયોજન થશે.