ભગવતીપરા, શ્યામનગર સહિત કુલ 5 આરોગ્ય કેન્દ્રો ખાતેથી સિરો સર્વે શરૂ કરાયો: કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે રાજકોટવાસીઓની હર્ડ ઈમ્યુનિટીનું તારણ કઢાશે
કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે રાજકોટવાસીઓમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિનું તારણ કાઢવા માટે આજથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા સિરો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 4 દિવસ સુધી અલગ અલગ પાંચ આરોગ્ય કેન્દ્રોમાં 1800 લોકોના લોહીના નમુના લઈ તેનું પરિક્ષણ કરવામાં આવશે. જો કે સેમ્પલ આપનારને તેનામાં રોગ પ્રતિકારક શક્તિ કેટલા પ્રમાણમાં છે તે અંગે રિપોર્ટ આપવામાં આવશે નહીં.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકારની સુચના મુજબ આજથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 26 ટીમો બનાવી સિરો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શહેરને કુલ 50 કલસ્ટરમાં વેંચી દેવામાં આવ્યો છે. સિરો સર્વેની એક ટીમમાં એક લેબ ટેકનીશીયન, હેલ્થ વર્કર સહિત કુલ 4 આરોગ્ય કર્મચારીઓ જોડાશે. એક ટીમ દ્વારા ચાર દિવસની કામગીરી દરમિયાન કુલ 3600 લોકોના લોહીના સેમ્પલ લઈ મેડિકલ કોલેજમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે.
આજે સવારથી સિરો સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં 5 થી 9 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો, 10 થી 18 વર્ષની ઉંમર ધરાવતા 8 વ્યક્તિઓ, 18 વર્ષથી ઉપરના 12 પુરૂષો અને 12 સ્ત્રીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને પરિક્ષણ અર્થે મેડિકલ કોલેજમાં મોકલી દેવામાં આવ્યા છે. 1800 સેમ્પલ લીધા બાદ તેના આધારે તારણ કાઢવામાં આવશે કે રાજકોટમાં કેટલા ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી જોવા મળી રહી છે.
આજે ચામુંડા સોસાયટીમાં ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામુંડા સોસાયટીની આંગણવાડી પોલીયો બુથ, ભોમેશ્ર્વર સોસાયટીમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં પત્રકાર સોસાયટી પોલીયો બુથ, વિજયનગરમાં કોવિડ આરોગ્ય કેન્દ્ર પાસેના પોલીયો બુથ, ગીતાનગરમાં આરોગ્ય એએચએમએપી આરોગ્ય કેન્દ્રના વોર્ડ ઓફિસ 19ના પોલીસ બુથ અને અમરજીત સોસાયટીમાં સૌરભ સોસા. કોમ્યુનિટી હોલના પોલીયો બુથના લોકોનું શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી સિરો સર્વે ચાલુ રાખવામાં આવશે. પ્રથમ દિવસે 36 લોકોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે.