અબતક-રાજકોટ
ચુંદડી મહિયરની લગ્નોત્સવ અંતર્ગત આજે વર્ષાભીની સવારે પિતા વિહોણી 300 દીકરીઓ અને એના પરિવારની 900 નો મળીને કુલ 1200 જેટલી યુવતીઓને મહેંદી મૂકીને પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી. પી.પી.સવાણી પરિવારના મોભીઓ અને પરિવારની દીકરી-વહુઓ પણ આ પ્રસંગને વધાવવા હાજર હતા. અનેક મહાનુભાવ અને આગેવાન મહિલાઓએ શુકનની પહેલી મહેંદી આ દીકરીઓના હાથમાં મુકીને આશીર્વાદ આપ્યા હતા.
આગામી 4 અને 5 તારીખે યોજાનારા ભવ્ય લગ્ન સમારોહ ચુંદડી મહિયરની નામે યોજવાનો છે. આ વર્ષે 300 દીકરીઓ પૈકીની 103 દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી; એવી દીકરીઓનું ક્ધયાદાન મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 4446 દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ 3000 જેટલી દીકરીઓનું કરિયાવર સાથે ક્ધયાદાન કરી ચૂક્યું છે. ચુંદડી મહિયરની સમારોહના પ્રથમ પ્રસંગ તરીકે આજે સવારે વરસાદી માહોલના કારણે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિશાળ હોલમાં યોજાયેલા મહેંદી પ્રસંગ સાથે લગ્ન પ્રસંગની વિધિવત શરૂઆત થઇ હતી. આજ થી ચાર દિવસ સુધી પી.પી.સવાણી પરિવારના આંગણે આ 300 દીકરીઓના લગ્નની વિધિઓ અને લગ્ન અનેક મહાનુભાવોની હાજરીમાં યોજાશે.
વાતાવરણને ધ્યાનમાં રાખી ને તાત્કાલિક ગણતરીના કલાકોમાં સ્થળ બદલ્યું અને હર વર્ષની જેમજ મહેંદી રસમનોં કાર્યક્રમ હતો. એડીશનલ ઇન્કમટેક્ષ કમિશ્નર જ્યોતિબેન કોરે, સરકારી અધિકારીઓ સર્વ નેહાબેન સવાણી, રસીલાબેન રાયકા, કાજલબેન આંબલીયા, મિતલબેન પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જાણીતા લોકસાહિત્યકાર સંગીતાબેન લાબડીયા, અપેક્ષાબેન પંડ્યા, સાથે જ ખ્યાતનામ તબીબો ડો.સંધ્યાબેન છાસટીયા, ડો.અર્પિતાબેન વાછાણી, ડો.રીધ્ધીબેન વાઘાણી, ડો.કલ્પનાબેન પટેલ, ડો.દક્ષાબેન ભડીયાદરા, ડો.પ્રીયંકાબેન પટેલ, ડો.અમીબેન પટેલ, ડો.ઊર્મિબેન ધોળિયા, ડો.મીનુબેન બારોટ હાજર રહ્યા હતા.
એમની સાથે જ શહેરની અનેક ખ્યાતનામ મહિલા અગ્રણીઓ પણ હાજર હતી અને એમાંના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઇ હતી. સ્વાગત પ્રવચન કરતા પી.પી.સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દીકરીએ તો આપણને ઈશ્વરે આપણને આપેલું ક્ધયાદાન છે. એમણે દીકરીઓને પણ આવનાર અને બદલાનારા જીવન અંગે કેટલીક પ્રેરણાદાયી વાતો કરી હતી.
નાયબ કલેકટર સુશ્રી રસીલાબેન રાયકાએ જણાવ્યું હતું કે, આ નાનું સુનું કામ નથી. આ મોંઘવારીના સમયમાં તમામ સમાજની દીકરીઓને પ્રાધાન્ય આપવું, પિતાની છત્રછાયા પૂરી પાડવીએ ભગીરથ કાર્ય છે. વાઘોડિયાના ટીડીઓ કાજલબેન આંબલીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવા માટે વલ્લભભાઈ સવાણી સામાજિક કાર્યના પ્રણેતા છે. સુરતના કોર્પોરેટર મનીષાબેન આહીરએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણીનું આંગણું એ મારા માટે પણ મારા પિતાનું આંગણું છે. હું આજે એક સામાજિક આમંત્રણથી આવી છું.