મીણાપરના જ ત્રણ શખ્સોએ રૂ.35 હજારની લૂંટ ચલાવી હત્યા કર્યાનો નોંધાતો ગુનો
ગુમ નોંધ બાદ નર્મદા કેનાલમાંથી કોથળામાં પેક કરેલો મૃતદેહ મળ્યો: કોર્ટના આદેશ બાદ પોલીસે લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો
અબતક,રાજકોટ
ચુડા તાલુકાના મીણાપરા ગામના યુવાન બે માસ પહેલાં ભેદી રીતે લાપતા બન્યા બાદ નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતકની ભાવનગર ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના પરિવારે પોતાના જ ગામના ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી હત્યા કર્યા અંગેની કોર્ટમાં કરેલી અરજીના અંતે પોલીસે અદાલતના હુકમના આધારે ત્રણ શખ્સો સામે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી ત્રણેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુડા તાલુકાના મીઠાપર ગામે રહેતા વિઠ્ઠલભાઇ રાયસંગભાઇ ધોડકીયા નામના 34 વર્ષના કોળી યુવાન પાસેથી રૂા.35 હજારની રોકડની લૂંટ ચલાવી તેની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી નર્મદા કેનાલમાં ફેંકી દીધા અંગેની મૃતકના મોટા ભાઇ ઉકા રાયસંગ ધોળકીયાએ તેના જ ગામના ટીના જીવણ ગાબુ, મહેશ જેસીંગ ધાડરી અને દલસુખ મગન ગાબુ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.વી.મીઠાપરા અને રાઇટર ધમભા ચૌહાણે ત્રણેય શકમંદની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
વિઠ્ઠલભાઇ ધોડકીયા ગત તા.10-9-22ના રોજ પોતાના પોતાના પિતા રાયસંગ પાસેથી રૂા.35 હજાર લઇને નીકળ્યા બાદ મોડીરાત સુધી પરત ન આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેની કોળી ભાળ મળી ન હતી. બીજા દિવસે વિઠ્ઠલભાઇ ધોડકીયાનો મોબાઇલ નર્મદા કેનાલમાંથી મળ્યો હતો અને બાઇક નર્મદા કેનાલ પાસેથી મળ્યું હતું.
ગત તા.3 ઓકટોમ્બરે સંજયભાઇ નામના મિત્રએ પોતાની વાડી પાસે મશીન નજીક એક મૃતદેહ છે તે અંગેની જાણ કરતા રાણપુર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઇ તપાસ કરતા મૃતદેહ વિઠ્ઠલભાઇ ધોડકીયાનો હોવાનું ઓળખી બતાવ્યું હતુ. મૃતદેહ પ્લાસ્ટીકના કોથળામાં હાથ-પગ અને દાત ભાંગી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. રાણપુર પોલીસે એડી નોંધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ભાવનગર મેડિકલ કોલેજમાં કરાવ્યું હતુ.
દરમિયાન વિઠ્ઠલભાઇ ધોડકીયા ગત તા.10-9-22ના ગુમ થયા ત્યારે તેઓ તેના ગામના ટીના જીવણ, મહેશ જેસીંગ અને દલસુખ મગન સાથે નર્મદા કેનાલ પાસે હોવાનું કુટુંબી ભાઇ દિનેશભાઇ કાળુભાઇએ જોયા હોવાનું જણાવ્યું હતું. આ અંગે વિઠ્ઠલભાઇ ધોડકીયાને લૂંટ હત્યા કર્યાની ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે પુરતા પુરાવા ન મળતા લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો ન હોવાથી મૃતકના પરિવારે ચુડા કોર્ટમાં લૂંટ અને હત્યા અંગેનો ગુનો નોંધાવતા ચુડા પોલીસે કોર્ટના હુકમ બાદ ત્રણેય શખ્સો સામે લૂંટ અને હત્યા અંગેનો ગુનો નોંધી ત્રણેય શકમંદોની પૂછપરછ હાથધરી છે.