પુજારીએ પોતાની ભૂલ કબુલી મંદિરમાં જોર ઝપટ દુર કરવાનું કામ બંધ કરવાનું કબલ્યુ
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામના વૃદ્ધા ઉપર ખોટો આરોપ મૂકનાર ગામના સ્વામિનારાયણ મંદિરના પૂજારી દેવશી ડાયાભાઈ વોરાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ભેંસાણ પોલીસ સ્ટેશનની મદદથી 1217મો સફળ પર્દાફાશ કર્યો હતો. પૂજારી દેવશીભાઈએ મંદિરમાં કાયમી જોરઝપટ, ખોટો આરોપ મૂકવાની પ્રવૃત્તિ બંધ કરવાની કબૂલાત સાથે માફી માંગી લીધી હતી. વૃદ્ધા નિર્દોષ હોવાની જાહેરાત કરી દીધી હતી.
બનાવની વિગત પ્રમાણે ચુડા ગામથી સંજય વિઠ્ઠલભાઈ વાવલીયા, નિકુંજભાઈ સહિત ચાર વ્યક્તિઓ આવી રૂબરૂ માહિતી આપી. તેમાં વૃદ્ધ માતા રંભાબેન ઉપર ગામની પરણીત યુવતી અને ગામના સ્વામિનારાયણ મંદિરના પૂજારી દેવશી વોરાની મિલીભગતથી ડાકણનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો, સાથે ગામમાં અમારો પરિવાર બહિષ્કાર થાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને માતાને જીવવું દોહલું બની જતાં આ સમગ્ર મામલાને ધ્યાને રાખી જાથા નિષ્પક્ષ તપાસ કરી સત્યને ઉજાગર કરવાની વાતચીત કરવામાં આવી હતી. ગામની પરણીતા હાલ સુરત હોય તેવું વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું. પરણીતા યુવતીનો બંને પક્ષના પરિવારો અમારા ઘરે આવી જે કઈ કર્યું હોય તે દૂર કરવા સાથે ધાક-ધમકી આપી હતી. ખોટા આરોપ સાથે ડાકણ શબ્દ પ્રયોગ દૂર કરવા સંબંધી માહિતી આપવામાં આવી હતી.
જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ ગામમાં ખરાઈ કરવા કાર્યકરોને મોકલતા બનાવ સત્ય સાબિત થયો હતો, તેથી સૌપ્રથમ સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી પરણીતા યુવતિ સહિત ઘરના સદસ્યોને કાયદામાં પ્રતિબંધ, ગુન્હો બનતો હોય તેવી માહિતી આપતા ભૂલ કબુલી માફી સાથે કબૂલાતનામું આપી દીધું હતું. જાથાની કામગીરીની મીડિયા જગતે વિશેષ નોંધ લીધી હતી. ગામની વૃદ્ધા ઉપર ખોટું આળ, આરોપ નીકળી ગયો હતો. સુરતમાં જાથાની કાર્યવાહીની ખબર પડતાં પૂજારી દેવશી વોરાએ જોરઝપટ કાઢવાનું બંધ કરી દીધું હતું. ગામમાં વિજ્ઞાન જાથા આવે છે કે નહીં તેની સતત સાવચેતી રાખતા હતા. મંદિરમાં બીમાર વ્યક્તિઓ, બીમાર પ્રાણીઓ માટે લોકો જાતે ધૂપ લેવા લાગ્યા હતા. પૂજારી સાવચેતી રાખતા હતા. જાથાએ કામચલાઉ ભ્રમ ઊભો કરી ચુડા આવશે નહીં તેવી વાતચીત મૂકી દીધી. પૂજારી દેવશીભાઈના વધુ પુરાવા મળી જતાં પર્દાફાશ કરવાનું નક્કી થયું.
રાજકોટથી જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, કૌશિક મકવાણા, મીનેશભાઈ જીવાણી, જેતપુરના રમેશ પરમાર, સંજય જાદવ સહિત કાર્યકરો ભેંસાણ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પી.એસ.ઓ. રમેશભાઈ અખેર, બંદોબસ્તના સંજયભાઇ નાનુભાઈ વાણીયા, હેડ કોન્સટે. મોહસીનભાઈ સલીમભાઈ, માનસિંગભાઈ રામભાઇ, સ્ટાફ હજાર હતો.
પૂજારી દેવશીભાઈએ જુનાગઢ મંદિરના દર્શન કોરાણે મૂકી રાજકીય આગેવાનોની મદદ મેળવવા પ્રયત્નો કર્યા, જાથાની ખબર પડતાં અમૂકે મોબાઈલ રિસીવ ન કર્યા. પોલીસ સ્ટેશનમાં હાજર થવામાં પાંચ કલાક બધાને પ્રતિક્ષા કરાવી ત્યારબાદ રાજકીય આગેવાનો સાથે પૂજારી હાજર થયા. પોલીસે કાયદાની ભાષા વાપરવી પડી હતી.
જાથાના ચેરમેન પંડયાએ વિનમ્રતાથી રાજકીય આગેવાનો સાથે પરામર્શ કર્યા. જાથા પુરાવા સાથે કામ કરે છે. સૌએ સ્વીકાર કર્યો હતો. સમાચારપત્રો માધ્યમો ન આવે તે સંબંધી વાત મુકિ હતી પરંતુ જાથાએ ઇન્કાર કર્યો હતો.