વેસ્ટ ઈન્ડિઝના તોફાની ઓપનર ક્રિસ ગેઈલ (અણનમ ૧૦૪)એ ઈન્ડિયન પ્રીમિયર લીગના ૧૧મી સીઝનની પહેલી સેન્ચુરી લગાવતા એ ફ્રેન્ચાઈઝીઓને જડબાતોડ જવાબ આપ્યો છે, જે ઓક્શન દરમિયાન તેના પર બોલી લગાવવાથી કતરાઈ રહી હતી. તેણે ફરી એક વખત સાબિત કર્યું છે કે, હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે અને કોઈપણ બોલરની ધોલાઈ કરવામાં સક્ષમ છે. ગેઈલે સીઝનના ૧૬મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે માત્ર ૫૮ દડામાં ૧૧ છગ્ગા અને ૧ ચોગ્ગા લગાવી સદી પૂરી કરી. તેણે આ સદી દીકરીને નામ કરી, જેનો શુક્રવારે બર્થ-ડે છે.

આ કેરેબિયન બેટ્સમેને પહેલા ૫૦ રન સુધી પહોંચવા માટે ૩૯ દડાનો સામનો કર્યો, જ્યારે બીજા ૫૦ માત્ર ૧૯ દડામાં પૂરા કરતા ૫૮ દડામાં સદી પૂરી કરી. આ તેની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છઠ્ઠી સેન્ચુરી હતી, જ્યારે પ્રોફેશનલ તેની આ ૨૧મી સેન્ચુરી હતી. આવું કરનારો તે એકમાત્ર બેટ્સમેન છે.

સેન્ચુરી પછી તેણે કહ્યું કે, આ સદી મારી દીકરીના નામે છે. તેનો જન્મદિવસ કાલે (શુક્રવારે) છે. તે બે વર્ષની થઈ જશે. તે પહેલી વખત ભારત આવી છે. અમે અહીં સારો સમય પસાર કરવા ઈચ્છીએ છીએ. હું ખુશ છું કે, મેં આ સીઝનની મારી બીજી જ મેચમાં સદી ફટકારી છે. ક્રિસ ગેલની દીકરી અને તેની ગર્લફ્રેન્ડ નતાશા પણ આ સમયે સ્ટેડિયમમાં ઉપસ્થિત હતાં. સદી ફટકાર્યા બાદ દીકરી તરફ ઈશારો કરતા ગેલે ઉજવણી કરી હતી.

આઈપીએલમાં સૌથી વધુ સેન્ચુરીની વાત કરીએ તો તેના પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીનો નંબર આવે છે. વિરાટે ૧૫૩ મેચોમાં ૩૮.૧૭ની સરેરાશથી ૪૬૧૯ રન બનાવ્યા છે, જેમાં ૪ સેન્ચુરી છે.

જો વાત કરીએ તો ક્રિસ ગેઈલના નામે સૌથી વધુ ૨૧ સદી બોલે છે. તે પછી મેકકુલમ, ક્લિંગર અને લ્યૂક રાઈટે સૌથી વધુ ૭-૭ સદી ફટકારી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.