સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.
ચોટીલા ખાતે દર્શનાર્થે જુદા જુદા શહેરો તથા ગામડાઓમાંથી તેમજ બહારના રાજ્યોમાંથી પોતાના કુટુંબ સાથે દરરોજ હજારો માણસો/દર્શનાર્થીઓ આવે છે. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની થોડીક બેદરકારીથી સાથે આવતા, તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે.
આજરોજ ચોટીલા પોલીસ સ્ટેશનના હે.કો. હરદેવસિંહ, કેતનભાઈ તથા સરદારસિંહ પેટ્રોલિંગ દરમિયાન એક બાળકી મળી આવેલ હોઈ, જેને પોલીસ સમક્ષ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલાના પી.આઈ. પી. ડી.પરમાર, સ્ટાફના અએ.એસ.આઇ. કેતનભાઈ, હે.કો. હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, વસંતભાઈ, વુ. લોકરક્ષક વિલાસબેન વિગેરે દ્વારા મળી આવેલ અજાણી બાળકી સાથે સહિષ્ણુતા ભરી કાર્યવાહી કરી, બાળકીને નામ પૂછતાં પોતાનું નામ લક્ષ્મી હોવાનું, રબારી જ્ઞાતિ ની હોવાનું અને લીંબડી ખાતે પોતાના કાકા કાકી સાથે રહેતી હોવાની અને પોતાના પાપા તથા મમ્મી ગુજરી ગયેલ હોઈ, પોતાના કાકા કાકી રિક્ષામાં કાલે સાંજે ચોટીલા મૂકીને જતા રહેલ હોવાનું જણાવેલ હતું.
ચોટીલા પોલીસને મળી આવેલ લક્ષ્મી પોલીસ સમક્ષ ખોટું બોલતી હોવાનું અને કંઇક છુપાવતી હોવાનું જણાવેલ તેમ છતા, ચોટીલા પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ બાળકી લક્ષ્મી ઉવ. આશરે 15 ને પોલીસ સ્ટેશન ખાતે નાસ્તો કરાવવામાં આવેલ, નવા કપડાં તથા ચપ્પલ લાવી પહેરાવવામાં આવેલ તેમજ જમવાનું પણ આપવામાં આવેલ તેમજ લીંબડી પોલીસને જાણ કરી, *વોટ્સએપમાં ફોટોગ્રાફ મોકલી, કોઈ વાલી વારસ શોધવા આવે તો, પોલીસ સ્ટેશન ખાતે મોકલવા જાણ પણ કરવામાં આવેલ હતી. ઉપરાંત રબારી જ્ઞાતિના આગેવાનો તથા માણસોને બોલાવીને પણ તપાસ કરવામાં આવતા આ છોકરી લીંબડી કે સુરેન્દ્રનગર નું હોવાનું જણાયેલ ના હતું.
દરમિયાન લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા મળી આવેલ છોકરી લક્ષ્મીને વિગતવાર વિશ્વાસમાં લઇને પૂછપરછ કરવામાં આવતા, આ છોકરી લક્ષ્મી એ પોતે રાજકોટની હોવાનું અને મોરબી રોડ ઉપર સ્વસ્તિક સોસાયટી, રાધા મીરાં, વિસ્તારમાં રહેતી હોવાની હકીકત જણાવતા, રાજકોટ શહેર પોલીસ નો સંપર્ક કરી, PCB શાખા ના હે.કો. ધર્મેશભાઈ તથા બી ડિવિઝન પો.ઈન્સ. આર.એસ.ઠકકર, એ.એસ.આઇ. મહેશગીરી ગોસ્વામી નો સંપર્ક કરી, વિગતો મેળવતા, આ છોકરી લક્ષ્મી રાજકોટની જ હોવાનું તથા તેના માતાપિતા હયાત હોવાનું તેમજ ઘરેથી ઘંટીએ લોટ દળાવવો જવાનું હોય, ત્યાંથી ચોટીલા કોઈને કહ્યા વગર આવતી રહેલાની વિગત જાણવા મળેલ અને ત્યારબાદ તેની માતા રાધાબેન સાથે સંપર્ક થતા, પોતાની દીકરી ગુમ થયેલ છે, જે અંગે શોધતા હોવાનું જાણવા મળતા, ચોટીલા પોલીસ સ્ટેશન લાવી, ગુમ થયેલ દીકરી લક્ષ્મીને સોંપવામાં આવેલ હતી.
ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ વ્યવહારના કારણે મળી આવેલ દીકરી લક્ષ્મી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘરની જેમ રહેવા લાગેલ અને પોતાના ઘરે જવા પણ તૈયાર ન હતી. બાદમાં પોલીસ દ્વારા સમજાવટ કરીને ઘરે જવા સમજાવવામાં આવેલ હતી. પોતાની ગુમ થયેલ દીકરી બે દિવસની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, એક અભણ પરિવારના સભ્યો દીકરીને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. મળી આવેલ દીકરી નાદાન હોઇ, અગાઉ પણ ચોટીલા મેલડી માના મંદિરે આવી ગયેલ અને પાછી લઈ ગયેલા નું તેના પરિવારે પોલીસને જણાવેલ હતું.
દીકરીના માતા અને પિતા પરિવારે ચોટીલા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર ચોટીલા પોલીસએ સાર્થક કર્યું હતું.