હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને દારૂના અનેક ગુનામાં વોન્ટેડ શખ્સની સંડોવણી
અબતક,રણજીત ધાધલ
ચોટીલા
ચોટીલાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને ખાડી પ્લોટમાં આવેલી આંગડીયા પેઢીના સંચાલકની આંખમાં મરચું છાંટી તમંચો લમણે તાકી રૂા.80 લાખની થયેલી સનસનીખેજ લૂંટના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને સુરેન્દ્રનગર એલસીબીએ ઝડપી ભેદ ઉકેલ્યો છે. ખૂનના ગુનામાં પેરોલ મેળવી છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ શખ્સ સહિત ચારેય શખ્સો પાસેથી પોલીસે રૂા.44 લાખની રોકડ કબ્જે કરી જાનીવડલાના શખ્સની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને ખાંડી પ્લોટ વિસ્તારમાં આંગડીયા પેઢી ધરાવતા ગીરીશભાઇ મહેન્દ્રભાઇ પૂજારા ગત તા.27 ડિસેમ્બરના રોજ આંગડીયા પેઢીએથી પોતાના ઘરે જતા હતા ત્યારે તેમના મકાન નજીક બે બાઇકમાં આવેલા ચાર શખ્સોએ મરચાની ભૂક્કી છાટી લમણે તમંચો બતાવી રૂા.80 લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ, એસપી મહેન્દ્ર બગડીયા સહિતના સ્ટાફે પોલીસની જુદી જુદી ટીમ બનાવી કામે લગાડી હતી તે દરમિયાન લૂંટના ગુનામાં મુળી તાલુકાના સોમસર ગામના વતની અને બોટાદના મોટા છૈડા ગામે રહેતા લખુ પૂંજ ઉર્ફે આપા ખાચરની સંડોવણી હોવાની એલસીબી સ્ટાફને બાતમી મળી હતી.એલસીબી પી.આઇ. એમ.ડી.ચૌધરી, પી.એસ.આઇ. વી.આર.જાડેજા, એએસઆઇ વાજસુરભા અને નરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે લૂંટના ગુનામાં સંડોવાયેલા લખુ પૂંજ ખાચર અને સાયલાના સેજકપર ગામના વતની અને હાલ ચોટીલાના અપનાનગરમાં રહેતા ચાપરાજ બાબુભાઇ ખવડને સાળંગપુર ખાતેથી ઝડપી લીધા હતા.લખુ પૂંજ ખાચર અને ચાપરાજ ખવડની પૂછપરછ દરમિયાન લૂંટના ગુનામાં ચોટીલાના ચિરોડા ગામના આંબા પાંચા ડાભી, વિછીંયાના અજમેર ગામના લાલદાસ રવિદાસ મેસવાણીયા અને ચોટીલાના જાની વડલા ગામના અલકુ અનકભાઇ કાઠીએ સાથે મળી આંગડીયા પેઢીના સંચાલક ગીરીશભાઇ પૂજારાને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી હતી.
પોલીસે આંબા ડાભી અને લાલદાસ મેસવાણીયાની લૂંટના ગુનામાં ઝડપી ચારેય શખ્સો પાસેથી રૂા.44 લાખ રોકડા, તમંચો, બે બાઇક અને ચાર મોબાઇલ તેમજ નવ જીવતા કારતુસ મળી રૂા.44.76 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ચારેયની પૂછપરછ દરમિયાન ચાપરાજ ખવડ અને અલકુ કાઠીએ આંગડીયા પેઢીના સંચાલક ગીરીશભાઇ પૂજારાની ટીપ આપી હતી ત્યાર બાદ પાંચેય શખ્સોએ રેકી કરી ગત તા.27 ડિસેમ્બરના રોજ પ્લાનીંગ મુજબ લાલદાસ મેસવાણીયા આંગડીયા પેઢી પાસે ઉભો રહી ગીરીશભાઇ પૂજારા અંગેની વિગતો અન્ય શખ્સોને વોટસએપ કોલથી સેર કરતા ચારેય શખ્સો પ્લાન મૂજબ બે બાઇક પર આવી ગયા હતા. ગીરીશભાઇ પૂજારા ચિત્રકૂટ સોસાયટીના ખૂણે પહોચ્યા ત્યારે લૂંટ ચલાવી ભાગી ગયા બાદ પાંચેય શખ્સોએ રૂા.15.70 લાખ મુજબ પાંચ ભાગ પાડી ભાગી ગયા હોવાની કબુલાત આપી છે.
રૂ.44 લાખ રોકડા કબ્જે: જાની વડલાના શખ્સની શોધખોળ: સુરેન્દ્રનગર એલસીબીને મળી સફળતા
લૂંટના ગુનામાં ઝડપાયેલો શખ્સ હત્યા સહિતના અનેક ગુનામાં વોન્ટેડ
લૂંટના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર લખુ પૂંજ ઉર્ફે આપા ખાચરે 2006માં પાળીયાદ પંથકમાં કરેલા ખૂનના ગુનામાં આજીવન સજા કોર્ટે ફટકારી હતી. સજા ભોગવતા લખુ પૂંજ 2016માં પેરોલ પર છુટી જેલમાં હાજર થયો ન હતો તેને ચોટીલામાં હથિયાર, દારૂ, પળીયાદમાં દારૂ, પાટણમાં ખૂનની કોશિષ, ધજાળા ગામે હત્યા, નાની મોલડીમાં વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.