માનસિક બિમારીથી કંટાળી યુવાને વખ ઘોળ્યું: પરિવારમાં કલ્પાંત
ચોટીલા તાલુકાના પિપાવા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. માનસિક બિમારીથી કંટાળી યુવાને જીવન ટૂંકાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત મુજબ ચોટીલા તાલુકાના પીપાવા ગામે રહેતા રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ગાબુ નામના 30 વર્ષના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન યુવાને દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ઘટના અંગે પોલીસને જાણ થતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રાજેશભાઈ ગાબુ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય જેના કારણે બીમારીથી કંટાળી યુવાને જીવન ટુકાવ્યાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.