નાની મોલડી પાસે હનુમાન મંદિરે પૂનમ ભરવા આવેલા ચોટીલાના માતા-પુત્રને જીવલેણ અકસ્માત નડ્યો હતો. જેમાં સામસામે બાઈક અથડાતા પુત્રની નજર સામે માતા કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં મફતિયાપરામાં રહેતા મંગુબેન ભીખાભાઈ વાઘેલા (ઉ.વ.૫૦) પોતાના પુત્ર રમેશભાઈ વાઘેલા સાથે બાઈક પર બેસીને નાની મોલડી હનુમાન મંદિરે પૂનમ ભરવા જતા હતા.
તે દરમિયાન નાની મોલડી પાસે માતા-પુત્રનું બાઈક સામેથી આવતા અજાણ્યા બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મંગુબેન હાલત નાજુક જણાતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટમાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ પ્રૌઢાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.