રૂ.9 લાખની સામે અઢી કરોડની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી દીધી: બે સામે નોંધાતો ગુનો

ચોટીલામાં પઠાણી વ્યાજની ઉઘરાણી મામલે વ્યાજખોરોએ હોટલ પચાવી પાડી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. જેમાં રૂ.9 લાખની સામે અઢી કરોડની માંગ કરી હોટલ સંચાલકોને જાનથી મારી નાખવાની ધમકી આપી કાગડિયા કરાવી લઈ હોટલ પચાવી પાડ્યાની બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં રહેતા અને ચોટીલામાં પાળીયાદ રોડ પર લાલા રઘુવંશી પરોઠા હાઉસ નામે હોટલ ધરાવતા ભૂમેશભાઈ રણછોડભાઈ કોટેચા નામના 33 વર્ષીય યુવાને ચોટીલાના મંગડું કાઠી દરબાર અને વિશ્વરાજ રાજુ કાઠી દરબાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પરિવારજનો સન 1990થી ચોટીલા પાળિયાદ રોડ પર લાલા રઘુવંશી પરોઠા હાઉસના નામે હોટલનું સંચાલન કરે છે. સન 2014માં મંદી હોવાને કારણે ફરિયાદીના ભાઈ કૌશિકભાઈએ ચોટીલાના રાજુ વાળા કાઠી દરબાર પાસેથી માસિક 10 ટકા વ્યાજે રૂ.3 લાખ અને મંગળુ કાઠી દરબાર પાસેથી 7 ટકા વ્યાજે રૂ.6 લાખ લીધા હતા.

જેના બે વર્ષ બાદ એટલે કે સન 2016માં મંગડું અને રાજુ બંને હોટલે આવીને પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. જે સમયે ફરિયાદી અને તેના ભાઈ પાસે પૈસા ન હોવાથી બંને વ્યાજખોરોએ ધાક ધમકી આપીને લાલા રઘુવંશી પરોઠા હાઉસ નામની હોટલ પચાવી પાડી હતી અને ભવિષ્યમાં પણ આ બાબતે કોઈ પણ ચર્ચા ન કરવાની ધમકી આપી હતી. જે બાબતે ફરિયાદી ભૂમેશભાઇ કોટેચા અને તેના ભાઈ દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં પણ આ બંને વ્યાજખોરોએ તેમની હોટલ પાછી આપી ન હતી.

ત્યારબાદ ગત તા.8મી ફેબ્રુઆરી 2023ના રોજ ભૂમેશભાઈને ચોટીલા પોલીસ મથકેથી ફોન આવ્યો હતો અને તેમના વિરૂદ્ધ અરજી થઈ હોવાનું જણાવી નિવેદન લેવા માટે ચોટીલા પોલીસ મથકે બોલાવ્યા હતા. અરજીમાં જણાવ્યા મુજબ વ્યાજખોર રાજુ વાળાની પત્ની કુંદનબેન વાળાએ ભુમેશભાઈ અને તેમના પરિવાર વિરૂદ્ધ ધાક ધમકી આપતા હોવાની અરજી કરી હતી.પરંતુ ત્યાર બાદ ભુમેશભાઇએ પોતાની આપવીતી જણાવતા ચોટીલા પોલીસ મથકના પીઆઈ જે.જે. જાડેજાએ મંગળુ કાઠી દરબાર અને રાજુ વાળાના પુત્ર વિશ્વરાજ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.