- વાંકાનેર ખાતે મકાનનો સોદો કરવા આવેલા આધેડને બે શખ્સોએ બીડી પીવડાવી લાડુ ખવડાવી લૂંટી લીધાં
વાંકાનેર તાલુકાના સરધારકા ગામે મકાનનો સોદો નક્કી કરવા આવેલા અમદાવાદના બાંધકામ કોન્ટ્રાક્ટર વાંકાનેરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે બે ભેજાબાજોએ કોન્ટ્રાક્ટરને પ્રસાદનો લાડુ અને ઘેની પીણું પીવડાવી મોબાઇલ અને રોકડ સહિત રૂ.20 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે જ્યારે . આધેડને બેશુદ્ધ હાલતમાં સારવાર અર્થે પ્રથમ ચોટીલા બાદમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં નરોડા રોડ નજીક રહેતા અને બાંધકામના કોન્ટ્રાકટર બાબુભાઈ બેચરભાઈ સોલંકી નામના 50 વર્ષના આધેડ ચોટીલામાં હાઇવે ઉપર બસની રાહે ઉભેલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ ઘેની પ્રવાહી પીવડાવી મોબાઇલ અને રોકડ રકમ સહિત રૂ.20 હજારની મત્તાની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે બાબુભાઈ સોલંકીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં બાબુભાઈ સોલંકી અમદાવાદ ખાતે રહે છે અને અમદાવાદમાં તેઓને મકાન લેવાનું હોય જેથી મકાન માલિકને મળવા તેઓ વાકાનેર આવ્યા હતા અને ત્યાંથી પોતાના વતન સરધારકા ગામે ગયા હતા જ્યાંથી તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા અને ચોટીલા ખાતે વાહનની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન બે શખ્સો આવ્યા હતા અને બાબુભાઈ સોલંકી સાથે વિશ્વાસમાં લઇને વાત ચીત કરી બાબુભાઈ સોલંકીને બે બીડી પીવડાવી હતી બાદમાં બાબુભાઈને સાઈડમાં બેસાડી ચા પીવડાવી હતી અને ત્યારબાદ લાડવાની પ્રસાદી ખવડાવી હતી.
ત્યારબાદ બાબુભાઇ સોલંકીની અચાનક તબિયત લથડતા બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા અને બાબુભાઈ સોલંકીએ બેશુદ્ધ હાલતમાં વાંકાનેર રહેતા પોતાના કાકાને ફોન કરી તબિયત બગડી હોવાની જાણ કરી ચોટીલા લેવા આવવાના જણાવ્યું હતું તે દરમિયાન બંને ગઠિયાએ બેભાન હાલતમાં ઢળી પડેલા બાબુભાઈ સોલંકી પાસે રહેલ રોકડ રૂ.5000 અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાની બાબુભાઇ સોલંકીએ પોતાની આપવીતી વર્ણવી હતી. ચોટીલા પોલીસે નોંધ કરી આધેડને બેશુદ્ધ કરી લૂંટ ચલાવનાર બંને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.