ચોટીલા: શેખલીયાના પ્રૌઢની સરપંચની ચૂંટણીના મનદુ:ખના કારણે હત્યા

સગા નાના ભાઇની નજર સામે ત્રણ શખ્સોએ માથામાં કુહાડો મારી ખોપડી ફાડી નાંખી: સરપંચની ચૂંટણીમાં કેમ ફોર્મ ભર્યુ કહી પૂર્વ સરપંચના પતિનું ઢીમ ઢાળી દીધું

ચોટીલા તાલુકાના શેખલીયા ગામના કોળી પ્રૌઢને સરપંચની ચૂંટણીમાં ના કહી હોવા છતાં કેમ ફોર્મ ભર્યુ કહી ત્રણ શખ્સોએ કુહાડી મારી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. સગા નાના ભાઇની નજર સામે પૂર્વ સંરપંચના પતિની હત્યા થતા પોલીસે હત્યા કરી ફરાર ત્રણેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શેખલીયા ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુ:ખના કારણે ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા નામના 49 વર્ષના કોળી પ્રૌઢની તેના જ ગામના રજની ગાંડુ કુમારખાણીયા, ગાંડુ ભીમા કુમારખાણીયા અને ભારત રજની કુમારખાણીયા નામના શખ્સોએ કુહાડા માથામાં મારી હત્યા કર્યાની મૃતક ગોવિંદભાઇ ગોળીયાના પુત્ર જેરામ ગોળીયાએ મોલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

શેખલીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત ટર્મમાં ગોવિંદભાઇ ગોળીયાના પત્ની વસંતબેન ગોળીયા સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. ત્યાર બાદ ગોવિંદભાઇ ગોળીયા અને દુદાભાઇ વશરામભાઇ બાવળીયા શેખલીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સામસામે ચૂંટણી લડયા હતા ત્યારે તેઓને રજની ગાંડુ, ગાંડુ બીમા અને ભારત રજનીએ ચૂંટણી ન લડવા માટે ગોવિંદભાઇ ગોળીયાને ધમકી દીધી હતી.

આમ છતાં ગોવિંદભાઇ ગોળીયા સરપંચની ચૂંટણી લડયા હતા દુદાભાઇ વશરામભાઇ બાવળીયા વિજેતા બન્યા હતા. ત્યારથી ચાલતી અદાવતના કારણે ગઇકાલે સાંજે ગોવિંદભાઇ ગોળીયા અને તેમના નાના ભાઇ દેવરાજભાઇ માતાજીના મઢ પાસે હતા ત્યારે રજની તેના પિતા ગાંડુ અને પુત્ર ભારત હાથમાં કુહાડા સાથે ઘસી આવ્યા હતા અને તને ચૂંટણી લડવાની ના કહી હતી તેમ છતાં કેમ ચૂંટણી લડયો કહી ગળા ચીપ દઇ પછાડી દીધા બાદ માથામાં કુહાડાનો એક ઘા મારી દેતા ગોવિેંદભાઇ ગોળીયાની ખોપરી ફાટી જતા તેઓ ઘટના સ્થળે ઢળી પડયા હતા અને દેવરાજભાઇ ગોળીયાને ધમકી દઇ ત્રણેય શખ્સો ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોલડી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એ.વાળા સહિતના સ્ટાફે રજની તેના પિતા ગાડું અને પુત્ર ભારત સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

મેવાસા શેખલીયા ગામે  બંદોબસ્ત ગોઠવાયો

ખાસ કરીને હત્યાના બનાવો બાદ બે પક્ષો સામ સામે આવી જતા હોય છે અને ત્યારબાદ મારામારી તેમજ અન્ય કાયદાકીય વ્યવસ્થા કથડાવાના પ્રયાસો ના બનાવો બનતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મેવાસા શેખલીયા ગામે માજી સરપંચ ની હત્યા થયા બાદ હાલની પરિસ્થિતિ મુજબ મેવાસા શેખલીયા ગામ પોલીસ છાવણી માં ફેરવાયું છે કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથડે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ સ્ટાપને પણ જરૂરી સૂચનાઓ જિલ્લા પોલીસ વડા દ્વારા આપી દેવામાં આવી છે.

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ઘાતક બની  ચાર મહિનામાં ત્રીજો હત્યાનો બનાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે છેલ્લા ચાર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ અને ત્રણ હત્યાના બનાવો બન્યા છે ત્યારે પહેલા ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મન : દુ:ખ રાખી અને યુવક ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લાના ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી લઈ અને હત્યા નો બનાવ બન્યો હતો અને હવે વધુ ચોટીલા મેવાસા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ કેમ ભર્યું તેમ કહી અને પૂર્વ સરપંચ ગોવિંદભાઈ ની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં ત્રીજો હત્યા નો  બનાવ ગ્રામ પંચાયતની ચૂંટણી કારણ ભૂત સાબિત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.