‘આજે તો તને મારી જ નાખવો છે’ કહી બે અજાણ્યા શખ્સો છરી વડે તૂટી પડ્યા: ભાઈ બચાવવા જતા ઘાયલ
ચોટીલા તાલુકાના ખાટડી ગામે વાડીએ સૂતેલા બે ભાઈ પર અજાણ્યા શખ્સોએ છરી વડે ખૂની હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખાટડી ગામે રહેતા અને ખેતી કામ કરતા શૈલેષ વિનુભાઈ ભંડાણીયા (ઉ.વ.20) અને તેના મોટા ભાઈ મુકેશ વિનુભાઈ ભંડાણીયા (ઉ.વ.22) પર તેમની વાડીએ આવેલા બે અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા બંને ભાઈઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસ મથકે જાણ કરતા નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બંને ભાઈઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે રાત્રીના પૂરો પરિવાર વાડીએ સૂતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ ત્યાં આવી શૈલેષ પર તને મારી જ નાખવો છે તેમ કહી છરી વડે તૂટી પડ્યા હતા. પોતાના નાના ભાઈ એ બચાવવા વચ્ચે પડેલા મુકેશને પણ છરીના ઘા લાગી જ્યાં બંને ભાઈઓને લોહિયાળ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી હુમલાખોરની શોધખોળ હાથધરી છે.