રાજકોટ સાસરે રહેલી પિતરાઈ બહેનને ફોનમાં હેરાન કરતા છૂટાછેડા થઈ ગયા’તા

ચોટીલામાં મામલતદાર કચેરી પાસે બહેનની પજવણી કરતા શખ્સને સમજાવવા જતા ભાઈ પર છરી વડે ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રાજકોટ સાસરે રહેલી બહેનને ફોનમાં પજવણી કરતા તેણીના છૂટાછેડા થઈ ગયા હતા. તેમ છતાં આરોપીએ ભાઈ સામે જોઈ મૂછે તાવ દેતો હોવાથી માથાકૂટ થઈ હતી.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં અલ્મદીના સોસાયટીમાં રહેતા સોયબ મોહમ્મદ હાલપુત્રા નામના 22 વર્ષીય યુવાને ચોટીલા પોલીસ મથકમાં સુમેર જુમા ઉર્ફે હકા લોલાડિયા સામે ખૂની હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા ફરિયાદી સોયબ બાઈક પર હતો હતો ત્યારે આરોપી સુમેર તેની સામે જોઇને મૂછે તાવ દેતો હતો. ફરિયાદીની કાકાની પુત્રી અનીશાબેન ઉર્ફે અનુના લગ્ન રાજકોટ થયા હોય જ્યાં આરોપી સુમેર ફોન કરી પજવણી કરતો હોવાથી તેના અઢી માસ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. તેમ છતાં આરોપી તેમની સામે જોઇને મૂછે તાવ દેતો હોય જે બાબતે સમજાવવા જતા માથાકૂટ થઈ હતી.

ફરિયાદી સાથે સુમેર લપ કરતો હતો ત્યારે ફરિયાદીનો ભાઈ સમીર ત્યાં આવી ગયો હતો. ત્યારે ઉશ્કેરાયેલફ સુમેરે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરતા સમીર ત્યાં જ ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ચોટીલા ત્યાર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે છરી વડે હુમલો કરનાર સુમેર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.