પ્રેમ પ્રકરણની શંકાએ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ: પોલીસ તપાસનો ધમધમાટ
ચોટીલા હાઈવે પરના કુંભારા ગામ પાસે મંગળવારે સવારના સમયે એક યુવાનની હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીરમાં ત્રોફાવેલ અક્ષરો સાથે મૃતકના સોશિયલ મીડિયામાં કોટા વાયરલ પણ થયા હતા. ત્યારે પોલીસને
મૃતક વાંકાનેર તાલુકાના રાતી દેવળી ગામનો યુવાન હોવાની જાણ થઈ હતી. આથી પોલીસે હત્યારાઓ અને હત્યાનું કારણ શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં હજુ થોડા દિવસો પહેલા જ કેનાલમાંથી હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે ફરી મંગળવારે સવાર ચોટીલામાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર ફેલાઈ હતી. ચોટીલા હાઈવે પર આવેલા કુંભારા ગામની સીમની ખૂલ્લી જગ્યામાં મંગળવારે સવારે એક યુવાન મૃત હાલતમાં પડયો હોવાની જાણ ચોટીલા પોલીસને થતાં પીઆઈ જે. જે. જાડેજા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસે બનાવવાળી જગ્યાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તથા મૃતકના શરીર પર જમણા હાથ પર અંગ્રેજીમાં ડી.એસ., ડાબા હાથ પર ગુજરાતીમાં જોશના અને છાતીના ભાગે ડાબી બાજુ ગુજરાતીમાં કમલેશ ત્રોફાવેલુ નજરે પડયુ હતું. જયારે મૃતકને માથાના ભાગે, હાથ-પગના ભાગે માર મારવાથી મોત થયાનું બહાર આવ્યુ હતુ. પોલીસે મૃતકની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.પોલીસે સોશિયલ મીડિયામાં મૃતકના ફોટો વાયરલ કરતા મૃતક રાતિદેવડીના દેવકરણ બાબુભાઈ વિકાણી (ઉ.વ.35) હોવાની જાણવા મળતા પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે હત્યા ક્યાં કારણોસર થઈ તે અંગે તપાસ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઘટના સ્થળ પર તલાશી લેતા જે સ્થળ પર મૃતદેહ પડ્યો હતો તેની આસપાસ બે કે તેથી વધુ બેંકના ટાયરના નિશાન મળી આવ્યા હતા. પોલીસે ઘટનાની બારીકીથી તપાસ કરી હત્યરાઓની ભાળ મેળવવા તજવીજ હાથધરી છે.