પુત્રની શાળાએથી પરત ફરતી વેળાએ સર્જાયેલા અકસ્માતમાં આચાર્યના એકના એક પુત્રને કાળ ભેટ્યો: પરિવારમાં આક્રંદ
અબતક, રણજીતસિંહ ધાંધલ, ચોટીલા
ચોટીલા પાસે સ્કોર્પિયો કારના ચાલકે આચાર્યના બાઈકને અડફેટે લેતાં દંપતી અને તેમનો પુત્ર ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં માતા – પિતાની નજર સામે જ પુત્ર કાળનો કોળિયો બનતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં રહેતા અને ત્યાં ગામડાની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા ( ઉ.વ.40) પત્ની ભાવનાબેન ચાવડા (ઉ.વ.35) અને પુત્ર ઋચિત ચાવડા (ઉ.વ.11) બાઈક પર નાવા ગામથી પરત ચોટીલા જતા હતા ત્યારે નાવા ગામના પાટિયા પાસે સ્કોર્પિયો કારના ચાલકે આચાર્યના બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બાળક ઋચિતનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ મળતી માહિતી મુજબ આચાર્ય મુકેશભાઈના પુત્ર ઋચીત ચોટીલા પાસે આવેલી ઈંગ્લીશ મીડિયમ શાળામાં અભ્યાસ કરવા માગતો હોય જેથી પરિવાર ચોટીલા નજીક આવેલી ઈંગ્લીશ મીડિયમ શાળાએ મળવા ગયા હતા. જ્યાંથી પરત ચોટીલા ઘરે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન આચાર્ય પોતાના પરિવાર સાથે બાઈક પર નાવા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે એક સ્કોર્પિયો કારના ચાલકે પાછળથી ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં માતા – પિતા અને બાળકને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાળક ઋચિતનું કમકમાંટીભર્યુ મોત નિપજ્યું હતું. પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે