સુરેન્દ્રનગર પોલીસને અંધારામાં રાખી રાજકોટ રેન્જની ટીમના દરોડા: 4 ઝડપાયા
અબતક-રણજિત ધાંધલ- ચોટીલા
ચોટીલા નેશનલ હાઇ-વે ઉપર આવેલ અલગ-અલગ હોટલોમાંથી પેટ્રોલીયમ પ્રવાહીનો ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ કરતા કુલ-6 ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રૂ.27,41,200નો મુદ્દામાલ રાજકોટ રેન્જની ટીમે કબ્જે કર્યો છે.
હોટલમાં આવતા વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરી વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તારણ
ચાલતી પેટ્રોલીયમ પ્રવાહીના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણને કડક હાથે ડામી દેવા રાજકોટ રેન્જના આઇ.જી.પી. સંદીપ સિંહ દ્રારા સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી અને દેવભુમી દ્રારકા જીલ્લાઓમાં એલ.સી.બી. એસ.ઓ.જી. બ્રાંચ તેમજ સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ડી.વાય.એસ.પી. ના સુપરવિઝન હેઠળ સ્પેશ્યલ ટીમો બનાવી પેટ્રોલીયમ પેદાશોની સંગ્રહ તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃતીને નેસ્તો-નાબુદ કરી ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલી હતી. જે અન્વયે આઇ.જી.પી. સંદીપસિંહ નાઓને હકીકત મળેલી કે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી ચોટીલા તરફ જવાના હાઇ-વે રોડ ઉપર આવેલી શેર એ પંજાબ હોટલ અને નાગરાજ હોટલની અંદરના ભાગે ગુપ્ત ટાંકો બનાવી ત્યાંથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહીનુ વેચાણ કરે છે. જે હકીકત આધારે મોરબી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તથા વાંકાનેર તાલુકાના પી. એસ. આઈ. પી.જી.પનારાએ દરોડો પાડ્યો હતો.
જેમાં સદર જગ્યાએથી જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી લી.2400, કિ.રૂ.2,30,200 ,ટ્રક ર કિ.રૂ.20,00,000, કાર – 1 કિ.રૂ.5,00,000, મોબાઇલ ફોન-ર કિ.રૂ.10,000, હેન્ડ પમ્પ ર કિ.રૂ.1,000નો મુદ્દામાલ મળી કુલ રૂ.27,41,200નો મુદ્દામાલ કબ્જે કરી કોડીંબા ધોડીબા વાઘમારે , મારૂતી જયસીંગ નાગે ,સુરેશ વજાભાઇ ચોવીસીયા , અનીતકુમાર અરૂણ મંડલની ધરપકડ કરી જ્યારે નાસી છુટેલા યુવરાજભાઇ કનુભાઇ અને રવુભાઇ ભોજભાઇ ધાધલ વિરુધ્ધ ચોટીલા પોલીસ મથકમાં ચીજવસ્તુઓના અધિનીયમ તથા પેટ્રોલીયમ અધિનીયમ કલમ- મુજબ ર ગુના દાખલ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો બીજી તરફ આ હોટલોમાં સ્ટેય કરતા વાહનોમાંથી આ ઈસમો પેટ્રોલ ચોરી કરીને ટાંકામાં સંગ્રહ કરતા હતા. ત્યાર બાદ ગેરકાયદેસર વેચાણ કરતા હોવાના કૌભાંડનો રાજકોટ રેન્જ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ બે શખ્સોની શોધખોળ હાથધરી છે.