દોઢ વર્ષની બાળકીનું પિતાએ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી અને જનેતાએ લાશને નાળામાં ફેંકી દીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પરથી બે દિવસ પહેલા દોઢ વર્ષની મૃત બાળકી મળી આવવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ઘટનામાં બાળકીના માતા-પિતા સુધી પહોંચેલી સાયલા પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં બાળકીના માતા-પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે જ પોતાની દોઢ વર્ષની દીકરીનું ગળું દબાવી હત્યા નાખી હતી.
હત્યારા પિતાએ પોલીસ સમક્ષ હત્યાની સમગ્ર ઘટનાની વિગત આપતા કહ્યું કે પાંચ પુત્રીમાં સૌથી નાની પુત્રીને તે અપશુકનિયાળ માનતો હતો. 27મી એપ્રિલે બંને પતિ-પત્ની બાઇક ઉપર ગુંદા ગામે જવા નીકળ્યાં હતા. આ દરમિયાન મઘરીખડા નજીક બાઇક સ્લીપ થયું અને પિતાએ ગુસ્સામાં બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સાયલા-ચોટીલા હાઇવે પર શાપર નજીક પતિના કહેવાથી પત્નીએ મૃત બાળકીને નાળામાં ફેકી દીધી હતી.
પોલીસે બાળકીના માતા-પિતા સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કહેવાય છે કે પુત્ર કપુત્ર થાય, પણ માવતર કમાવતર ન થાય. પણ આ ઘટનામાં તો માવતર જ દોઢ વર્ષની બાળકી માટે કમાવતર સાબિત થયા છે.