અગાઉ હત્યારાની પુત્રીનો જાહેરમાં હાથ પકડી લેતા એક વર્ષથી ચાલતી અદાવતનો કરૂણ અંજામ: દંપતી ઘાયલ

ચોટીલામાં આજે સવારે હૈયુ હચમચાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં એકાદ વર્ષ જૂના ઝઘડાનો ખાર રાખી યુવક અને તેની પત્ની ઉપર હુમલો કરવામાં આવતો હોય ત્યારે યુવકની માતા વચ્ચે પડતા તેના ઉપર ટ્રક ચડાવી તેની હત્યા કરી નાખવામાં આવી છે. આ બનાવને પગલે ચોટીલામાં ખળભળાટ મચી ગઇ છે. જ્યારે કે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ચોટીલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં રહેતા ગોવિંદ વિષ્ણુભાઇ ગોંડલિયા (ઉ.વ.35)ને આજે સવારના દસેક વાગ્યાના અરસામાં ગામમાં રહેતા રામશી શિવા મેણિયા અને તેનો પુત્ર અશ્ર્વિન રામશી ઘરમાં ઘૂસી માથાકૂટ કરતા હતા. ત્યારે આ માથાકૂટમાં ગોવિંદની પત્ની આશા વચ્ચે પડી હતી. જેથી રામશી અને તેના પુત્ર અશ્ર્વિને લોખંડના પાઇપ ઝીંકી દંપતી ઉપર હીંચકારો હુમલો કર્યો હતો. આ બનાવમાં દેકારો મચી જતા માથાકૂટ જાહેરમાં પહોંચી હતી અને દંપનીને પિતા-પુત્ર બેફામ માર મારતા હોય તે દરમિયાન ગોવિંદના માતા મંજુબેન વિષ્ણુભાઇ ગોંડલિયા (ઉ.વ.55) પુત્ર અને પુત્રવધૂને બચાવવા વચ્ચે પડ્યા હતા.

તે દરમિયાન આરોપી રામશી મેણિયાએ દંપતીને બચાવવા વચ્ચે પડેલા મંજુબેન ઉપર ટ્રક ચડાવી દીધો હતો. જેના કારણે મંજુબેનનાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટનાસ્થળ ઉપર જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ.

બીજી બાજુ આ બનાવની જાણ થતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો જો કે, પોલીસ આવે તે પહેલાં જ ટોળું એકઠું થઇ જતાં પિતા-પુત્ર ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવમાં મૃતક મંજુબેનનાં મૃતદેહને ચોટીલા હોસ્પિટલ પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ઘટનામાં ઇજાગ્રસ્ત દંપતી ગોવિંદ તથા તેની પત્ની આશાને પ્રાથમિક સારવાર માટે ચોટીલા હોસ્પિટલે અપાવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા અને હુમલાનું કારણ જણાવતા આશાએ કહ્યું હતુ કે, રામશી મેણિયાની પુત્રીનો અગાઉ ગોવિંદે સરાજાહેર હાથ પકડી છેડતી કરી હતી અને બિભત્સ વર્તન કર્યું હતુ. એકાદ વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં રામશી અને ગોવિંદ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. આ માથાકૂટમાં આજે સવારે ગોવિંદ ઘરે હોય ત્યારે રામશી અને તેનો પુત્ર આવી ચડ્યા હતા અને ઝઘડો કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં ચોટીલા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફ પાસેથી મળેલી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત ગોપાલ બે ભાઇઓમાં નાનો છે અને ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત ગોવિંદનું નિવેદન લઇ તેની માતાની હત્યા નીપજાવનાર રામશી અને તેના પુત્રની સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.