ગુજરાતનો પ્રત્યેક નાગરિક જળસંચય અને જળસ્તર ઊંચા લાવવા મકકન નિર્ધાર સાથે ભાવિ પેઢી માટે પણીના દુકાળને ભુતકાળ બનાવવા સંકલ્પબધ્ધ છે. – મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના અલીખેરવા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં સહભાગી થતાં ગૌરવસહ જણાવ્યું કે, આ અભિયાનને ૨૫ દિવસમાંજ જે જનસહયોગ મળ્યો છે તેજ પુરવાર કરે છે કે ગુજરાતનો પ્રત્યેક નાગરિક જળસંચય અને જળસ્તર ઊંચા લાવવાના મકકમ નિર્ધાર સાથે ભાવિ પેઢી માટે પાણીના દુકાળને ભૂતકાળ બનાવવા સંકલપબધ્ધ છે.મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમેરિકાની નાસાએ તાજેતરમાં વિશ્વના વિવિધ દેશોનો સર્વે કરીને ભૂગર્ભ જળસ્તર ઊંડા જવા અંગે ચિંતા વ્યકત કરી તેના ઉપયોગ માટે સુચવ્યું છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાતની આ સરકારે તો અહેવાલ પહેલાંજ આગોતરૂં આયોજન કરીને પાણીના સંચાય અને આગામી ચોમાસમાં જળસંગ્રહ ક્ષમતાં ૧૧૦૦૦ લાખ ઘનફૂટ વધારવાની કટિબધ્ધતા સાથે આ સુજલામ સુફલામ જળ અભિયાન આદર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ આ અભિયાનની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ૫૨૬ જેસીબી શરૂ થયેલ આ અભિયાનમાં આજે ૪૨૦૦ ઉપરાંત જેસીબી અને ૨૦૦૦ ટ્રક ડંપરમાં ૧૪ હજાર ટ્રક ડંપર માટી ઉપાડવા અને તળાવો ઊંડા કરવામાં લાગ્યા છે. ૩.૨૭ લાખ શ્રમિકોને આ કામમમાં રોજગારી મળી રહી છે.
અમેરિકાના નાસાએ વિશ્વના વિવિધ દેશોનો સર્વે કરીને ભૂગર્ભ જળસ્તર ઉંડા જવા અંગે તાજેતરમાં ચિંતા કરી છે પણ ગુજરાત સરકારે આ અહેવાલ પહેલાં જ આગોતરૂં આયોજન કરીને જળસંચય થકી જળસંગ્રહનું અભિયાન આદર્યુ છે – મુખ્યમંત્રી
શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે તળાવો ઊંડા કરવાના પરિણામે નીકળતી માટી એક પણ રૂપિયો રોયલ્ટી લીધા વિના ખેડૂતોને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગમાં લેવા આપીએ છીએ.
મુખ્યમ મંત્રીશ્રીએ આ પ્રસંગે રૂા.૨૦.૮૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન, વરેછી ખાતે રૂા. ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલ વિજ્ઞાન પ્રવાહની આદર્શ નિવાસી કન્યા શાળા અને તેજગઢ ખાતેના તાલીમ કેન્દ્રનું ડીજીટલી લોકપર્ણ કર્યુ હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જળસંચય અભિયાનમાં ૪૫ ડિગ્રી તાપમાનમાં પણ પોતાનો પરસેવો પાડીને જળસંચયનું કામ કરી રહેલ ગુજરાતી ભાઇઓનો પરસેવો એળે નહીં જાય પરંતુ તેમનો આ પરસેવો અમૃત બની તળાવોમાં છલકાશે તેમ કહ્યું હતું.
શ્રી રૂપાણીએ લોકમાતા સમાન નદી અને ધરતીને પ્યાસ બુઝાવી તેઓની તૃષ્ણાને તૃપ્ત કરવી એ સંતાનની ફરજ છે તેમ જણાવી માનવ અને જીવસૃષ્ટિના આ લોકકલ્યાણમાં જોતરાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા.
- લોકમાતા નદી અને ધરતીમાતાની પ્યાસ બુઝાવી તૃષ્ણાને પૂરી કરવી એ સંતાનની ફરજ છે.
- રૂ. ૨૦.૮૭ કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા પંચાયત સદન, રૂ.૪ કરોડના ખર્ચે આદર્શ કન્યા વિજ્ઞાન પ્રવાહ શાળા અને વડેછી ખાતેના તાલીમ કેન્દ્રનું ડીજીટલી લોકપર્ણ કરાયું
- શ્રમિકોનો પરસેવા એળે નહીં જાય જે અમૃત બની તળાવોમાં જળસંગ્રહ થકી છલકાશે.
- ટૂંક સમયમાં વોટર રીસાયકલીંગ પોલીસી જાહેર કરવામાં આવશે.
- ઇઝરાયલ અને દૂબઇ ની જેમ ગુજરાતમાં ખારા પાણીનો મીઠા પાણીમાં ફેરવવામાં આવશે.
- આાગામી ચોમાસમાં જળસંગ્રહ ક્ષમતા ૧૧ હજાર લાખ ઘનફૂટ વધારવાની કટિબધ્ધતા.
- ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ લિ. દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં રૂા. ૧૫ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયો.
- આદિવાસી ભાઇઓએ પરંપરાગત આદિવાસી નૃત્યથી મુખ્ય મંત્રીશ્રીને આવકાર્યા.
શ્રી રૂપાણીએ ગટર અને ડ્રેનેજના ગંદા પાણીનું રીસાયકલીંગ કરી તેનો ખેતી, ઉદ્યોગો અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં ઉપયોગ કરી પીવાના ચોખ્ખા પાણીને બચાવવા માટે ટૂંક સમયમાં જ વોટર રીસાયકલીંગ પોલીસી જાહેર કરવામાં આવશે તેમ જણાવી દરિયાનું ખારૂં પાણી પીવાલાયક બને તે માટે રોજનું ૧૦ કરોડ લીટર પાણી ચોખ્ખું થાય તે માટે તેમજ જેમ ઈઝરાયેલ અને દૂબઇમાં પાણીનો ઉપયોગ થાય છે તેવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે વિરોધીઓને આડે હાથે લેતાં કહ્યું હતું કે, વિરોધીઓને ખબર નથી કે તેઓ જેનો વિરોધ કરી રહ્યાં છે તેટલો ખર્ચ કરવામાં આવ્યો નથી તેમ છતાં તેમને તેઓમાં ભ્રષ્ટાચાર દેખાય છે કે કેમ તેઓએ હવામાંથી, તળાવમાંથી પાતાળમાંથી કૌભાંડો કર્યા હોય તેમને ઇમાનદારીની સરકાર દેખાતી નથી. આ જ રીતે રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી એક તણખલું ઘાસ ખરીદયું નથી તો ઘાસ ખરીદીમાં કયાંથી કૌભાંડ થાય તેમ છતાં પણ કહે છે કે ઘાસની ખરીદીમાં કૌભાંડ કર્યું છે તેમ જણાવી તેમણે જેમની આંખમાં કમળો થયો હોય તેને પીળું જ દેખાય તેવી માર્મિક ટકોર પણ કરી હતી.
શ્રી રૂપાણીએ સરકારી જનતાના હિતમાં, સેવા માટે, જનજન સુખી-સંપન્ન બને તે માટે ગરીબોની, ખેડૂતોની, વનબંધુઓની અને આદિવાસીઓની વિચલીત થયા વગર અવિરત સેવા કરી રહ્યા હોવાનું કહ્યું હતું. ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ લિ.ના મેનેજર શ્રી જી. કે. પટેલે સુજલામ સુફલામ જળસંચય અભિયાન માટે રૂા.૧૫ લાખનો ચેક મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કર્યો હતો. જયારે આદિવાસી ભાઇઓએ પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરી મુખ્ય મંત્રીશ્રીને આવકાર્યા હતા.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અને ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન રાજય મંત્રી શ્રી બુચભાઇ ખાબડે જળ એ જીવન છે. જળ માનવજીવનની પાયાની જરૂરિયાત છે. જળ ન હોય તો જીવવું દોહ્યલું બની જાય છે જેથી જનતા જનાર્દનની ચિંતા કરીને રાજય સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમગ્ર ગુજરાતમાં આદર્યું છે તેમ જણાવી છોટાઉદેપુર હાથ ધરવામાં આવેલ કામગીરીની રૂપરેખા વર્ણવી હતી.
પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. જી. પગીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સંસદસભ્ય શ્રી રામસિંહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, પૂર્વ ધારાસભ્યો સર્વ શ્રી કાંતિભાઇ તડવી, જયંતિભાઇ રાઠવા અને શંકરભાઇ રાઠવા, પ્રભારી સચિવ શ્રી આર. સી. મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, જિલ્લા પોલીસ વડા શ્રી એમ. એચ. ભાભોર, બોડેલી એ.પી.એમ.સી.ના ચેરમેન, બોડેલી અને અલીખેરવા ગામ સરપંચશ્રીઓ, જિલ્લા અને પ્રદેશના અગ્રણીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો સહિત આજુબાજુના ગામના સરપંચો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, મહિલાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com