સાગર સંઘાણી

રાજયમાં લુખ્ખા તત્વો બેફામ બનતા ખાખીનો ખોફ હવે આરોપીઓમાંથી ઉતરતો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જામનગરમાં ચકચારી ઘટનાઓ સામે આવી છે જેમાં પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે પોલીસે ગુન્હો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના રવિ પાર્ક વિસ્તારમાં પિતા- પુત્ર સહિતના ત્રણ ગુનેગારો બેખોફ બન્યા હતા અને એક સાથે ત્રણ ગુન્હા તેમના વિરુદ્ધ નોંધવામાં આવ્યા હતા તેમાં વેપારીની દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ એક વિદ્યાર્થી અને એક શ્રમિક યુવાન વગેરેને માર મારવા અને તોડફોડ કરવા સહિતના ત્રણ અલગ અલગ ગુનાઓ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવ્યા છે. જે બનાવ પછી આરોપીઓને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર ત્રણેય શખ્સોએ કાર ચડાવી દઈ પગ ભાંગી નાખી, હત્યાનો પ્રયાસ કર્યા અંગેનો પણ વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ત્રણેય પિતા પુત્રોની અટકાયત કરી લેવામાં આવી છે, અને વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

અલગ અલગ ત્રણ બનાવમાં પિતા-પુત્રની ધરપકડ !!

1) વિદ્યાર્થી પોતાના મિત્ર સાથે ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન હુમલો

જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રવિ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ કરસનભાઈ ચંદ્રાવડીયા નામના એક વિદ્યાર્થી પોતાના મિત્ર કૃષ્ણપાલસિંહ સાથે સ્કૂટર પર બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન માર્ગમાં ઉભેલા સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ ભૂતિયા એ બંને મિત્રોને રોક્યા હતા, અને વિદ્યાર્થી હુમલો કરી દીધો હતો. ઉપરાંત તેના વાહનને પણ નુકસાની પહોંચાડી હતી. જેથી આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

2) મજુર પર હુમલો

જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ વસતાભાઈ ડાંગરિયા, કે જેઓ પણ રવિ પાર્ક વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા, દરમિયાન તેને અટકાવીને આરોપી સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ ભૂતિયા એ લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. દરમિયાન તેનો એક મિત્ર કે જે છોડાવવા માટે વચ્ચે પડ્યો હોવાથી તેને પણ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

3) વેપારી પર હુમલો

જામનગરમાં રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને રવિ પાર્ક વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી મયુરભાઈ નારાણભાઈ નંદાણીયા ની દુકાન પણ આરોપી સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ ભૂતીયાએ પ્રવેશ કરી લઈ દુકાનમાં તોડફોડ કરી નાખી હતી ,અને વેપારીને માર માર્યો હતો. ઉપરાંત પાડોશમાં જ રહેતા શિવાંગીબેનની એક કાર કે જે ઘર ની બહાર પાર્ક કરવામાં આવી હતી, તેમાં પણ તોડફોડ કરીને નુકસાની પહોંચાડવામાં આવી હતી.

 

પોલીસ પકડવા જતા પોલીસ પર પણ તૂટી પડ્યા

જે સમગ્ર મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા હતા, અને જુદીજુદી ત્રણ ફરિયાદો પિતા પુત્ર સામે નોંધાવવામાં આવી હતી. જે બંને આરોપીઓ રવિ પાર્ક વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે, તેવી માહિતી મળતાં સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ કાસમભાઇ વજગોળ, કે જેઓ તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે ગયા હતા, જે દરમિયાન આરોપી સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ કેસુભાઈ ભૂતિયા ઉપરાંત તેનો ભાઈ ભાવેશ કાનાભાઈ ભૂતિયાને પોલીસ સ્ટેશનને આવવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાયા હતા, અને પોતાની સાથે રહેલી સ્કોર્પિયો કાર કે જેમાં જબરજસ્તીથી બેસી જઇ પોલીસ કર્મચારી જાવેદભાઈ વજગોડ પર કાર ચડાવી દેવાની કોશિશ કરી હતી, જેથી તેઓ ખસી ગયા હતા. પરંતુ તેમના પગ ઉપરથી કારનું વ્હીલ ફરી વળ્યું હતું, અને પગ ભાંગી ગયો હતો, અને ત્રણેય શખ્સો ભાગી છુટ્યા હતા.

ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને જીજી હોસ્પીટલમાં ખસેડાયા

દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ વજગોળ ને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ હતી, અને પિતા પુત્ર સહિતના ત્રણ આરોપીઓ સંજય કાનાભાઈ ભાવેશ કાનાભાઈ અને તેના પિતા કાનાભાઈ કેશુરભાઈ ભૂતિયા સામે હત્યા પ્રયાસ અંગેની કલમ ૩૦૭, પોલીસની ફરજ માં રૂકાવટ અંગેની કલમ ૩૩૨, ઉપરાંત ૩૫૩, ૨૯૪- ખ અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે.
દરમ્યાન સીટી સી. ડિવિઝન ના પોલીસી ઇન્સ્પેક્ટર પી. એલ. વાઘેલા સહિતની ટુકડીએ તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીઓને પકડી લીધા છે, અને તેઓની સ્કોર્પિયો કાર કબ્જે કરી લીધી છે. જે ત્રણેયની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.