હવે ગ્લેનમાર્કનાં પ્રમોટરો પબ્લિક શેર હોલ્ડર ગણાશે: બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં રહેલી બે સીટ ખાલી કરવી પડશે
ગ્લેનમાર્ક કી પસંદ નિરમા..! ફાર્માસ્યુટિકલ જાયન્ટ ગ્લેનમાર્કે શેર દિઠ 615 રુપિયાનાં ભાવે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ કંપનીમાં રહેલો પોતાનો 75 ટકા હિસ્સો નિરમાને વેચ્યો છે. આ મળનારા નાણા માંથી કંપની લેણદારોને નાણા ચુકવશે. બજારમાં આ સોદાના સમાચારો ફેલાતા જ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ કંપનીનાં ભાવ શેર દિઠ ત્રણ ટકા જેટલા વધીને 645 રૂપિયા થઇ ગયા હતા જ્યારે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલનાં ભાવ શેર દિઠ ત્રણ ટકા સુધી ઘટી ને 802 રૂપિયા થયા હતા. આ સોદા બાદ હવે ગ્લેનમાર્ક ફાર્માનો ગ્લેનમાર્ક લાઇફ સાયન્સમાં 7.84 ટકા જેટલો જ હિસ્સો રહેશે. જ્યારે ગ્લેનમાર્ક ફાર્મા આ નાણામાંથી 4340 કરોડ રૂપિયાની લોન ચુકવીને બોજ હળવો કરશે.
અ ન્યુ વે ફોર અ ન્યુ વર્લ્ડ જેવી વૈશ્વિક વિઝન ધરાવતા સ્લોગન વાળી ગ્લેનમાર્કે બેચ કર ભી જીતને વાલે બાઝીગર જેવી ડિલ કરી છે એમ કહી શકાય. કારણ કે હાલનો સોદો શેરનાં બજાર ભાવથી આશરે બે ટકા ડિસ્કાઉન્ટમાં થયો હોવાની ગણતરી મંડાય છે. જ્યારે કંપની આ નાણા માંથી આઠ કે 10 ટકા સુધીનો વ્યાજનો બોજ ઘટાડશે. જો આ સોદો અત્યારે ન થયો હોત અને કંપનીનો વ્યાજનો બોજ વધતો ગયો હોત તો આગળ જતા કંપનીની વેલ્યુએશન તળિયે ગઇ હોત. જેની અસર ગ્લેનમાર્ક ગ્રુપની અન્ય કંપનીઓની બેલેન્શીટ ઉપર પણ પડી હોત. આ સોદા બાદ હવે ગ્લેનમાર્કનાં પ્રમોટરો પબ્લિક શેર હોલ્ડર ગણાશે અને તેમને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં રહેલી બે સીટ ખાલી કરવી પડશે.
સામાપક્ષે હવે નિરમાને પણ સેબીના નિયમોને આધિન આ શેરોમાંથી પબ્લિક શેરધારકો માટે ઓપન ઓફર આપવી પડશે. બજારભાવ ગણીઐ તો નિરમાને આ 75 ટકા હિસ્સો 7500 કરોડ રૂપિયામાં પડશે એવું કહી શકાય. ઘરે ઘરે ફરીને ડિટરજન્ટ પાઉડર વેચનારા નિરમાવાળા કરસનભાઇ પટેલ આમ તો ઘણા સમયથી ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પ્રવેશી ચુક્યા છે. અમદાવાદ પાસે જ 550 એકર જગ્યામાં એક્યુલાઇફ હેલ્થકેયર અને સ્ટેરિકોન ફાર્મા જેવી તેમની બે કંપનીઓ છે. જે લગભગ 100 દેશોમાં વેચાણ ધરાવે છે.આ ઉપરાંત બ્રાઝિલ અને મેક્સિકોમાં ભાગીદારી ધરાવે છે. એટલે આ સાહસ નિરમા ગ્રુપ માટે નવું જોખમ લાવે તેવી શક્યતા ઓછી છે.સોદો થયા બાદ પણ માલિકી હસ્તાંતરણની કાર્યવાહીમાં સમય લાગવાનો હોવાથી એપ્રિલ-24 નાં નાણાકિય વર્ષમાં આ કાર્યવાહી પુરી થશે. જો કે શેરધારકોની મંજૂરી અને રેગ્યુલેટરી જવાબદારીઓ પુરી કર્યા બાદ પણ આગામી પાંચ વર્ષ સુધી કંપની સાથે વ્યવસાયિક સંબંધો જાળવી રાખશે. જેના કારણે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સને ગ્લેનમાર્ક ગ્રુપની અન્ય કંપનીઓનો સવિસ સહકાર મળતો રહેશે.
આમ તો ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ એ.પી.આઇ નાં ઉત્પાદનમાં છે તેથી નિરમાનાં હાલનાં ઉત્પાદનો સાથે સ્પર્ધા થવાની નથી. હાલમાં અંકલેશ્વર, દાહેજ, મોહોલ તથા કુરકુમ્ભ જેવા સ્થળોઐ પ્લાન્ટ ધરાવે છે. તેમજ સોલાપુર પાસે ચિંચોલીમાં પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે. ગ્લેનમાર્ક ગ્રુપની અન્ય કંપનીઓ અગાઉ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ પાસેથી એ.પી.આઇ લેતી હતી જે હવે નિરમા માટે 15 ટકા જેટલો કેશ બિઝનેસ લઇ આવશે.
આગામી દિવસોમાં નિરમા જુથ પોતાનો બિઝનેસ અને બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે હવે આ સેક્ટરની નાની કંપનીઓને કબ્જે કરવાનું શરૂ કરે તેવા સંકેત મળે છે. આ કંપનીઓને એક બેનર હેઠળ લાવીને ઉત્પાદન તેમજ ઓપરેશન અને વહિવટી ખર્ચ ઘટાડીને બેલેન્શીટ સુધારવાની રણનીતિ બનાવે તેવી સંભાવના છે. ફાઇનાન્શ્યલ એડવાઇઝરો ગણતરી મુકે છે કે હાલનાં પી/ઇ રેશિયો પ્રમાણે જો કંપનીનો વિકાસદર દર વષે 16 થી 18 ટકા જેટલો રહે તો નિરમાને આગામી સાત વર્ષમાં 1088 કરોડ રૂપિયાની આવક થઇ શકે છે. જે રોકાણકારો માટે આકર્ષક વળતર માની શકાય અને અને શેરધારકોને પણ સારી કમાણી થઇ શકે છે.
હાલમાં મળનારી રોકડ રકમથી ગ્લેનમાર્કને ટૂકાગાળા માટે રાહત મળશે. કારણ કે લોનની ચુકવણી કર્યા બાદ વ્યાજનો બોજ હળવો થવાથી ગ્લેનમાક ગ્રુપની બેલેન્શીટમાં સુધારો થવાની ધારણા છે. હાલમાં ગ્લેનમાર્કની હાલની આવકમાં 65 ટકા હિસ્સો બ્રાન્ડવાળા ઉત્પાદનોમાંથી આવે છે. આ હિસ્સો વધવાની પણ ગણતરીઓ મુકાઇ છે.
એકરીતે કહીએ તો ગ્લેનમાર્ક ગ્રુપને ટૂંકાગાળા માટે રાહત મળી છે. પરંતુ હવે કંપનીને કાંઇક નવું કરવું પડશૈ નહીતર લાંબાગાળે બજારમાં ટકી રહેવું મુશ્કેલ થશે.