બાળપ્રવૃતિથી બ્લડ બેંક, સમુહલગ્નથી માસિક સહાય જેવા વિવિધ પ્રોજેકટ ચલાવતી સંસ્થા કાર્યરત

સમગ્ર દેશમાં કદાચ સૌથી વધુ સંસ્થાઓ રાજકોટમાં કાર્યરત છે. રજીસ્ટર્ડ સંસ્થા કરતાં નોન રજીસ્ટર્ડ સંસ્થાઓનો શહેરમાં રાફડો ફાટયો છે. બાળપ્રવૃતિથી બ્લડ બેંક સુધીની સેવા સાથે સમુહલગ્નથી જરૂરીયાત મંદ પરિવારને માસિક રાશન કિટ આપતી પણ સંસ્થાઓ કાર્યરત છે.રાજકોટની તાસિરમાં સેવાકિય સંસ્થાઓ વર્ષોથી કાર્યરત છે. 70ના દાયકામાં માત્ર ઇન્ટરનેશનલ સંસ્થાઓ સક્રિય હતી બાદમાં નવજયોત યુવક મંડળ, ચિલ્ડ્રન કલબને સરગમ કલબનો 80ના દશકાના પ્રારંભે શુભારંભ થતાં ચોમેર દિશાએ વિવિધ કાર્યક્રમો શહેરમાં યોજવા લાગ્યા હતા.આજે ર1મી સદીમાં તો રંગીલા રાજકોટમાં ચોમેર દિશાએથી સોનેરી હસ્તાક્ષરો વિવિધ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ કરી રહી છે.

બિનવારસી લાશનું અંતિમ કાર્ય તો કોર્મશિયલ સેકસ વર્કરોના પુનરૂ સ્થાન કરતી સંસ્થાઓ પણ રાજકોટમાં છે.સામાજીક શૈક્ષણિક સંસ્થા, કલબ, મંડળ અને એસોસિયનના નામથી વિવિધ સેવાકિય પ્રોજેકટ રાજકોટમાં થાય છે. તેમાં વિઘાર્થીઓ મદદરુપ થવાની સાથે તબીબી સહાય જેવા પ્રોજેકટ પણ ચાલી રહ્યા છે. શહેરમાં સારા કાર્યો માટે દાતાઓ વર્ષોથી આવી સેવા ભાવી સંસ્થાને મદદરૂપ થઇ રહ્યા છે.

રાજકોટમાં સેવા પ્રોજેકટ સંભાળતી સંસ્થાઓ બાળપ્રવૃતિ, સમુહલગ્ન, અંતિમ સંસ્કાર વિધી, કાઉન્સેલીંગ, પ્રદુષણ કંટ્રોલ, નાટયપ્રવૃતિ, ચિત્ર, સંગીત, સ્પોર્ટસ એકટીવીટી, તબીબી સાધનો વિતરણ, ભોજન ટીફીન સેવા, ગરીબોને મીઠાઇ વિતરણ કુપોષિત બાળકોનો પ્રોજેકટ, મફત ઓપરેશનનો, ગરીબ બાળકોની ફિ તથા વિનામૂલ્યે ભણતર, વૃક્ષારોપણ, અંગદાન ઝુંબેશ એઇડસ, કેન્સર જેવા રોગોની જાગૃતિ જેવા વિવિધ પ્રોજેકટ હાલ ચાલી રહ્યા છે.રાજકોટની સરગમ કલબ, લાઇફ પ્રોજેકટ અને એઇડસ કલબ જેવી સંસ્થાઓએ વૈશ્ર્વિક સ્તરે રાજકોટનું નામ રોશન કરેલ છે. ઘણી બધી સંસ્થાઓને રાજય અને રાષ્ટ્રીય લેવલે એવોર્ડ પણ મળ્યા છે.

ઘણા કોલેજીયન ગ્રુપો પણ ગરીબ બાળકોને નાસ્તો ભોજન કરાવીને પોતાનો જન્મ દિવસ ઉજવે છે. જે સમગ્ર દેશ માટે અંગુલી નિર્દેશ બન્યું છે.રાજકોટમાં અખબારો પણ વધુ નીકળે છે. જેમાં નિયમિત રીતે સંસ્થાઓની પ્રેસ નોટ તથા કાર્યક્રમના ફોટા છપાય છે. ફૂટપાથ કે રઝળતા લોકોને ભોજન વ્યવસ્થા પણ વિવિધ સંસ્થાઓ કરે છે. તો રાત્રે સ્ટ્રીટ ડોગને ભોજન આપવા પણ યુવાનો જાય છે. મોનિંગ વોકના લોકો ભેગા થઇને વિવિધ ગ્રુપો ચલાવે છે ને સેવા પણ કરે છે. લાફીંગ કલબ જેવી સંસ્થાઓ પણ રાજકોટમાં ચાલે છેે.શહેરના મંદિરોના ટ્રસ્ટો પણ વિવિધ મેડીકલ સહાય પ્રોજેકટ ચલાવે છે. તો કેટલીક સંસ્થાઓ દર્દીના બેડ પર જઇને નાસ્તો-દવા કે આર્થિક સહાય આપે છે.

શહેરમાં વૃઘ્ધાશ્રમો ચલાવતી શ્રેષ્ઠ સંસ્થાઓ વર્ષોથી કાર્યરત છે. બાળ વિકાસ, મહિલા ઉત્થાન સાથે યુવા વિકાસની વિવિધ પ્રવૃતિ પ્રોજેકટ ચલાવતી સંસ્થાઓ રાજકોટમાં સતત અને સક્રિય રીતે અવિરત પ્રવૃતિ પ્રોજેકટ ચલાવી રહ્યા છે.એક જમાનામાં  લાયન્સ, રોટરી, જેસીઝ, જાયન્ટ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કાર્યરત હતી જે આજે પણ છે. પણ 1980ના દાયકા બાદ રાજકોટમાં વિવિધ સ્થાનીક સંસ્થાનો ઉદય થયો હતો. છેલ્લા ચાર દાયકાથી આ સંસ્થાઓ ભૂકંપ, દુષ્કાળ, રોગચાળામાં શ્રેષ્ઠ કાર્ય કરીને સમગ્ર દેશમાં રાજકોટનું નામ રોશન કરેલ છે. દરિયા દિલ દાતાઓના સહયોગથી આ સંસ્થાઓ શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.