Abtak Media Google News
  • બાળકોના મોત થયાને દિવસો વીત્યા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં : લોકોએ ઉપરી અધિકારીનું ધ્યાન દોરતા ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને જિલ્લા આરોગ્ય અધિકારી દોડી આવ્યા

ઉપલેટાના તણસવા ગામના પાટિયા પાસે આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા મજૂર પરિવારના અંદાજે 4 જેટલા બાળકોના 10 દિવસ પહેલા મોત થવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગે કોઈ કાર્યવાહી નહિ કરતા કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવુ જણાઈ રહ્યું છે. બીજી તરફ તમામ બાળકોના સેમ્પલ લઇને રિપોર્ટ કરવામાં આવતા આ બાળકોને કોલેરા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ઉપરાંત આ વિસ્તારમાં 46 જેટલા ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયેલ હોય તેના પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે.

10 દિવસ પહેલા પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા મજૂર પરિવારના 4 બાળકોને તબિયત લથડતા તેમને પ્રથમ ઉપલેટા અને ત્યાંથી જૂનાગઢ તેમજ જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કાર્તિક ઉ.વ.2, કવિતા ઉ.વ.3, અંજલિબેન, બંશીભાઈ સહિત 1થી 7 વર્ષના બાળકોને મેડિકલ સારવાર માટે લઈ જવાયા હતા. જો કે આ ઘટનામાં ત્રણથી ચાર બાળકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જેમાં એક નાના બાળકને દફનાવવામાં આવેલ છે. બીજા બાળકને તણાસવા ગામે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ છે. જ્યારે અન્ય બાળકની લાશને તેમના વતન લઈ જવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં જ ધોરાજીના પ્રાંત અધિકારી જયેશ લિખિયા, મામલતદાર મહેશ ધનવાણી, જિલ્લા આરોગ્ય અધિકારી, ટીડીઓ ચૌહાણ, પીઆઇ ગોહિલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી.

સ્થાનિક આરોગ્ય વિભાગ ઘટનાથી અજાણ ?

આ ઘટના તણસવા વિસ્તારમાં બનેલ હોય તેના બ્લોક હેલ્થ ઓફિસરનો ચાર્જ જિલ ડોબરીયા પાસે છે. તેને આ ઘટના અંગે પૂછતાં કેટલા મોત થયા છે કોના મોત થયા છે કેટલાને સારવાર અપાઈ છે. તે કોઈ જાણકારી આપી શક્યા નથી.

કોલેરાના સંભવીત કેસો સામે રાજકોટ કલેકટરના પ્રતિબંધાત્મક આદેશો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ પર આવેલ ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં સંભવિત કોલેરાના કેસો સામે આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ  પ્રભવ જોશી દ્વારા ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા ગામ રોડ પર આવેલ સંસ્કાર પોલીમર્સ, અર્ચન પોલીમર્સ, આશ્રય પોલીમર્સ વગેરે ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં  અને તેની આજુબાજુના 10 કી.મી.ના વિસ્તારમાં  પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ   દ્વારા મામલતદાર  ઉપલેટાની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ આદેશો મુજબ બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે તેમજ ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરવા પર, પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં દૂષિત પાણીની શક્યતા હોવાથી ખાડા ખોદી પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવવા અને પીવાના પાણીને કલોરિનેશન બાદ જ ઉપયોગમાં લેવાના રહેશે. ખાદ્ય પદાર્થના વેપારીઓએ ફરસાણ,મીઠાઈ, ગોળ,ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા,શાકભાજી ફળફળાદીના ધંધાર્થીઓએ તેને કાપીને ખુલ્લા  રાખવા તેમજ આવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ કરવા પર, બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર, વાસી ખોરાક ઉપયોગમાં લેવા પર મનાઈ ફરમાવી છે. શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ,રેસ્ટોરન્ટ, મીઠાઈ,-ફરસાણની દુકાન,ભોજનાલયો વગેરેમા સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ઢાંકી રાખવા અને પેપર ડીશમાં જ ખોરાક પીરસવા અને શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝિબલ ગ્લાસમાં જ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશોનુ ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.