સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠાભર્યુ સ્થાન ધરાવતા રાજકોટ માર્કેટયાર્ડના નવા સુકાનીઓની ચૂંટણી માટે જામનગરના જીલ્લા રજીસ્ટ્રાર તિરથાણીના અધ્યક્ષસ્થાને બેઠક થઈ હતી. ચેરમેનપદ માટે જયેશ બોઘરા તથા વાઈસ ચેરમેન માટે વસંત ગઢીયાના નામની દરખાસ્ત થઈ હતી. તમામ ડાયરેકટરોએ સંમતી આપી હતી. અન્ય કોઈએ દાવેદારી નહીં કરતા બન્ને હોદેદારોની ચૂંટણી બીનહરીફ થઈ હતી.
ચેરમેનપદે આરુઢ થયેલા જયેશ બોઘરા રાજકોટ તાલુકાની સીટ પર ચુંટાયા હતા. કણકોટના રામનગરના છે. જયારે વાઈસ ચેરમેન વસંત ગઢીયા પડધરીના ખોડાપીપરના છે. નવા સુકાનીઓની ચૂંટણી પુર્વે જબરા આંતરિક દાવપેચ ખેલાયા હતા અને જબરુ લોબીંગ થયુ હતું. સૌથી અનુભવી પરસોતમ સાવલીયાનું નામ આગળ હતું પરંતુ છેલ્લી ઘડીએ કપાઈ ગયુ હતું. ચેરમેનપદ માટેની સેન્સ પ્રક્રિયામાં પણ 15માંથી 11 સભ્યોએ પરસોતમ સાવલીયાનું નામ આગળ ધર્યુ હતું. આ સિવાય જયેશ બોઘરા તથા વિજય કોરાટના પણ દાવા પેશ થયા હતા.
ગઈ સાંજે આખરી નિર્ણય લેવા માટે જીલ્લા ભાજપની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી. પરસોતમ સાવલીયા તથા જયેશ બોઘરાના નામ શોર્ટલીસ્ટ થયા હતા. પ્રદેશ નેતાગીરીને રીપોર્ટ કરીને માર્ગદર્શન માંગવામાં આવ્યુ હતું. પ્રદેશ નેતાગીરીની સૂચના મુજબ જયેશ બોઘરાની પસંદગી કરવામાં આવી હોવાનો જીલ્લા નેતાગીરી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
નેતાગીરીને એક તબકકે પરસોતમ સાવલીયાની નારાજગીની વાત પણ પહોંચાડવામાં આવી હતી. અસંતોષ કે બળવો થવાની અટકળો ઉભી થતા આજે સવારે પુર્વમંત્રી જયેશ રાદડીયાએ તમામ ડાયરેકટરોને કાલાવડ રોડ પરની રેસ્ટોરામાં એકત્રીત કરી લીધા હતા અને એક સાથે જ ચૂંટણી સમયે યાર્ડમાં લઈ જવાનો વ્યુહ અપનાવવામાં આવ્યો હતો. જો કે કોઈ નવાજુની થાય તેમ ન હોવાનું સ્પષ્ટ થતા તમામે રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.
યાર્ડમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને પગલે જીલ્લાભરના રાજકીય-સહકારી આગેવાનો યાર્ડમાં ઉમટયા હતા. સહકારી નેતા જયેશ રાદડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, મહામંત્રી મનસુખ રામાણી ઉપરાંત રાજકોટ, લોધીકા, પડધરી સહિતના તાલુકાના આગેવાનોએ હાજરી આપી હતી. નવનિયુક્ત હોદેદારોને ફુલહાર કરીને અભિનંદન-શુભેચ્છા પાઠવ્યા હતા. જશ્નનો માહોલ સર્જાયો હતો.