છતે પૈસે ડિજીટલાઈજેશનથી વિદ્યાર્થીઓને વંચિત રાખતી સરકાર
૫૦ હજાર વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવાના નામે રૂ.૫ કરોડ ઉઘરાવ્યા છતાં વિદ્યાર્થીઓને ટેબલેટની રાહ
‘સબસીડાઈઝ’ ચાઈનીઝ લીનોવો કંપનીના ટેબલેટ ચાઈના-ભારતના ડખ્ખામાં અટવાયા
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ગત વર્ષે લાખો વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે માટે વિદ્યાર્થીઓએ નમો ઈ-ટેબ ખરીદવા રૂા.૧૦૦૦ પણ ચૂકવી આપ્યા છે જો કે સરકાર છતે પૈસે ડિજીટલાઈઝેશનથી વિદ્યાર્થીઓને વંચિત રાખી રહી છે. ૨૦૧૯માં જ લાખો વિદ્યાર્થીઓના રૂા.૧૦૦૦ લઈ લીધા બાદ આજે દોઢ વર્ષનો સમય વીતી ગયા છતાં પણ ૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ હજુ ટેબલેટથી વંચિત છે. ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવાના નામે રૂા.૫ કરોડ ઉઘરાવ્યા છતાં હજુ સરકાર વિદ્યાર્થીઓને ચોકલેટ જ આપી રહી છે અને વિદ્યાર્થીઓ તો હજુ ટેબલેટની રાહ જોઈ રહ્યાં છે. અલબત વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમ કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ૨૦૧૭માં નવો ઈ-ટેબલેટ (ટેબલેટ દ્વારા આધુનિક શિક્ષણની નવી રીત)ની શરૂઆત કરી હતી અને તેના વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ના સબસીડીવાળા ભાવે સુલભ વ્યવસ્થા બનાવી હતી. આ ટેબલેટમાં ૭ ઈંચની એલઈડી ડિસ્પ્લે, કવાડકોર પ્રોસેશર અને ૧.૩ જીએચઝેડ, ૧ જીબી રેમ, ૮ જીબી ઈન્ટરનલ સ્ટોરેજ અને ૬૪ જીબી એકસ્પેન્ટેબલ માઈક્રો એસડી કાર્ડની સુવિધા, ૩૪૫૦ એમએચની બેટરી અને કોલીંગ સુવિધાવાળા ૩જી ટેબલેટ આપવાનું નક્કી કર્યું હતું. આ યોજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. જો કે, આ માટે વિદ્યાર્થીઓએ રૂા.૧૦૦૦ ચૂકવવા છતાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ જેમણે વર્ષ ૨૦૧૯માં હિપ્લોમાં ડિગ્રી એન્જી. ડિગ્રી ફાર્મસી, બી.કોમ., બીએસસી, આઈટી, બીસીએ અભ્યાસ ક્રમોમાં વિવિધ કોલેજોમાં પ્રવેશ મેળવ્યો હતો છતાં આવા વિદ્યાર્થીઓ દોઢ વર્ષથી ગેજેટસની રાહ જોઈ રહ્યાં છે.
ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે ચીન-ભારતના ડખ્ખાઓ ચાલી રહ્યાં છે અને ભારતે ચીનની વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે રાજ્ય સરકાર અત્યાર સુધી વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ના ટોકન દરે ચાઈનીઝ લીનોવો કંપનીના ટેબલેટ આપતા હતા. ત્યારે હવે ‘સબસીડાઈઝ’ ચાઈનીઝ લીનોવો કંપનીના ટેબલેટ ચાઈના-ભારતના ડખ્ખામાં અટવાયા છે અને હવે સરકાર જે ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત રહ્યાં છે તેમને ક્યાં ટેબલેટ આપશે તે જોવું રહ્યું, જો કે હજુ ક્યાં ટેબલેટ આપશે તે દૂર વાત છે પરંતુ સરકારી યુનિવર્સિટીઓમાં સરકાર પુરતા ટેબલેટ જ પહોંચાડી શકી નથી જેથી વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
એક તરફ સરકાર ડિજીટલાઈઝેશન અને આધુનિકરણની વાત કરી રહી છે ત્યારે નમો ઈ-ટેબ યોજનામાં વિદ્યાર્થીઓને ટેબલેટ પુરા પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નિવડી છે તેમ ચોક્કસથી કહી શકાય. એકબાજુ અત્યારે કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની સુવિધા કરવામાં આવી છે ત્યારે લાખો વિદ્યાર્થી એવા છે કે, જેઓ પાસે પુરતા ગેજેટસ ન હોવાના કારણે ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યાં છે અને સરકાર પણ આવા વિદ્યાર્થીને ટેબલેટ પહોંચાડવા અસક્ષમ રહી હોય વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, સરકાર તાત્કાલીક ધોરણે ટેબલેટ આપે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દસ-દસ વાર ઉઘરાણી કરવા છતાં વિદ્યાર્થીઓને ‘ઠેંગો’
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જણાવ્યા મુજબ સરકારમાં ઈ-ટેબ મામલે દસ મહિનામાં દસ વાર ઉઘરાણી કરવામાં આવી છે. હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ ૨૦૧૯-૨૦ના ૫૯૭ વિદ્યાર્થીઓ ટેબલેટની રાહ જોઈ રહ્યાં છે. દોઢ વર્ષનો સમય વિત્યા છતાં પણ ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે ઉહાપો જોવા મળી રહ્યો છે. આ મામલે પણ યુનિવર્સિટી કંઈ કરી નથી રહી અને સરકાર પણ કોઈ પૃષ્ટી આપતી નથી. યુનિવર્સિટીની ટેબલેટ માટે સરકાર પાસે વારંવાર ઉઘરાણી છતાં વિદ્યાર્થીઓને ‘ઠેંગો’ જ બતાવવામાં આવી રહ્યો છે.