ગુજરાતભરમાંથી ર૧ પત્રકારોને અપાયા એવોર્ડ જેમાં પ્રખ્યાત વકતા લેખક જવલંત છાયાનો પણ સમાવેશ
ચિત્રલેખા મેગેઝીનની રાજકોટ ઓફીસમાં સીનીયર કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવતા રાજકોટના પત્રકાર જવલંત છાયાને તાજેતરમાં ગુજરાતી પત્રકારત્વનો ટુંક સમયમાં પ્રતિષ્ઠિત બની ગયેલો એવો ગુજરાત મીડીયા એવોર્ડ એનાયત થયો હતો. સમગ્ર ગુજરાતમાંથી પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનિક મીડીયા, રેડીયો અને વેબ પત્રકારત્વ બધું મળીને કુલ ર૧ એવોર્ડ જાહેર કરાયા હતા. જેમાં એક એવોર્ડ લાઇફ ટાઇમ એચિવમેન્ટ અને એક જયુરી એવોર્ડ હતો એટલે કુલ ૧૭માંથી એક એવોર્ડ રાજકોટના આ પત્રકારને મળ્યો છે.ગત ૧૧ ઓકટોબરે અમદાવાદ ખાતે યોજાયેલા એક દબદબાભર્યા સમારોહમાં આ એવોર્ડ જવલંત છાયાને ગુજકાતના વરિષ્ઠ પત્રકાર-કટાર લેખક દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત થયો ત્યારે ગુજરાતના મીડીયા જગતના માંધાતાઓ ત્યાં મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા. એ ઉપરાંત હાસ્ય કલાકાર, ચિંતક શાહબુદ્દીન રાઠોડ, જાણીતા કવિ-લેખક તુષાર શુકલ, ભાજપના પ્રવકતા ભરત પંડયા, કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી સહીતના અગ્રણીઓ ઉ૫સ્થિત હતા.
એવોર્ડ માટે પત્રકારો વિજેતાઓની પસંદગી માટે ગુજરાતના વરિષ્ટ નિવૃત આઇએએસ અધિકારી પી.કે.લહેરી, ગુજરાત યુનિ.ના પત્રકારત્વ ભવનના અઘ્યક્ષા સોનલ પંડયા તથા ડો. શીરીષ કાશીકરે જવાબદારી નિભાવી હતી. પ્રિન્ટ મીડીયામાંથી એવોર્ડ મળ્યો હોય એવા રાજકોટના પત્રકારોમાં જવલંત છાયા એક માત્ર છે જયારે સામયીક પત્રકારત્વની વાત કરીએ તો એમાં આખા ગુજરાતમાંથી એક માત્ર એવોર્ડ ચિત્રલેખાની સ્ટોરીને મળ્યો છે.
જવલંત છાયા ૧૯૯૬ થી પત્રકારત્વમાં છે. સોળ વર્ષ દૈનિક પત્રકારત્વમાં વિવિધ જવાબદારી નિભાવવા ઉપરાંત કટાર લેખન પણ કર્યા બાદ છેલ્લા સાડા છ વર્ષથી ચિત્રલેખા મેગેઝીનમાં ફરજ બજાવે છે. એમના પ પુસ્તક પ્રકાશિત થયાં છે. ૩૦૦ થી વધારે ઇન્ટરવ્યુ એમણે લીધા છે અને વિવિધ ઘટનાઓનું રીપોટીંગ કયુ છે. વિવિધ વિષયો પર લખ્યું છે. ત્રણ નાટકો પણ લખ્યાં છે એક વકતા તરીકે પણ એમનું નામ જાણીતું છે.
આ એવોર્ડ માટે એમણે ચિત્રલેખા પરિવાર તથા ચિત્રલેખાના તંત્રી ભરતભાઇ ધેલાણીને સંપૂર્ણ શ્રેયના હકકદાર ગણાવ્યા છે. સાથે જ પોતાનો પરિવાર પણ આ સન્માન માટે એટલો જ યશભાગી છે. એવું કહ્યું છે. જયાં જયાં જે પ્રકાશનમાં કામ કર્યુ એના માલીકો, તંત્રીઓ, સાથીઓનું પણ આ ઘડીએ સ્મરણ થાય એ સ્વભાવિક છે.