- વેપારીને આંતરી ત્રણ બુકાનીધારી શખ્સોએ છરીની અણીએ પૈસાનો થેલો પડાવી લીધો: પોલીસ બેડામાં દોડધામ
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ગઈકાલે ધોળા દિવસે 75 લાખ રૂપિયાની લૂંટનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યાં છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, એક એક્ટિવા અને બાઈક પર સવાર ત્રણ ઈસમો રૂપિયા ભરેલા બેગને લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયાં હતા. એપીએમસીના વેપારીના પૈસા લઇને બે કર્મચારીઓ નીકળ્યા હતા ત્યારે બેંકની બહાર ત્રણ લૂંટારુઓએ વેપારીઓના માણસોં પાસેથી પૈસા ભરેલી બેગ છીનવી લઇ લૂંટ આચરી હતી.
મામલામાં ભાવનગરના કુંભારવાડા નજીક રહેતા વેપારી ગુલામ અબ્બાસ યાકુબઅલી યુસુફઅલી રાજાણી(ઉ.વ.40)એ બોર તળાવ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પેઢી મીના એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવું છું. હું યાર્ડમાં ડુંગળી, બાજરો, મકાઇ જેવી જણસની ખરીદી કરૂ છું. મારી પેઢીમાં મહમદઅલી સાદિકઅલી લાખાણી રહે, શીશુવિહાર, સિંહ સર્કલ, ભાવનગર વાળો નોકરી કરે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે કુંભારવાડા નજીક હું અને મારો કર્મચારી મહમદઅલી મળ્યા હતા અને બાદમાં મેં મારૂ મોટરસાયકલ મૂકી કર્મચારીના સ્કૂટરમાં બેસી એસ.બી.આઇ. બેંક ચિત્રા શાખામાં ગયેલ હતા. મારા મીના એન્ટરપ્રાઈઝના કરન્ટ ખાતા માંથી રૂ.60 લાખની રોકડ ઉપાડી ત્યાથી વોરા બજારમાં કે. વિશ્વાસ, પી. મગન, એચ. ઇશ્વરલાલ પટેલ નામની પેઢીમાં અમારૂ ચુકવણ કરેલ હતુ. ત્યારબાદ બપોરે અમે એસ.ટી. વર્ક શોપ પાસે હોટેલમાં જમી ફરીવાર ચિત્રા ખાતે એસબીઆઈ બેંક ખાતે ગયો હતા. બપોરે આશરે પોણા ચાર વાગ્યે બેંકમાંથી રૂ. 75 લાખની રોકડ ઉપાડી ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ પાછળ જતા રોડ ઉપરથી જી.આઈ.ડી.સી. તરફ રેસીડેન્સીયલ એરીયામાં જતા હતા. ત્યારે એક બ્લુ કલરની એક્સેસ મોટર સાઈકલ ઉપર એક બુકાનીધારી શખ્સ અને સ્પલેન્ડર મોટરસાયકલ પર બે શખ્સોં એમ કુલ ત્રણ શખ્સોં ધસી આવ્યા હતા અને અમારું વાહન અટકાવી ઉભા રાખી દીધા હતા.
બાદમાં એક શખ્સે છરી કાઢી ધમકી આપી હતી કે, પૈસા આપી દે નહીંતર ઘોદા મારી દઈશ, જીવવું હોય તો પૈસા આપી દે કહી વેપારીને થપાટ મારી હતી. જે બાદ મેં મારા કર્મચારી મહમદ અલી લાખાણીને પૈસાનો થેલો લૂંટારુને આપી દેવા જણાવ્યું હતું. જે બાદ કર્મચારીએ આ થેલો એક્સેસ પર આવેલા બુકાનીધારી શખ્સને આપી દીધો હતો. પૈસાનો થેલો લઇ ત્રણેય શખ્સોં નાસી ગયાં હતા. બાદમાં મારા ભાઈને આ બાબતે જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસમાં જાણ કરી હતી.
મામલાની ગંભીરતાને ધ્યાને રાખી એસપી હર્ષદ પટેલે અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવા આદેશ આપ્યા છે.
સીસીટીવીના આધારે લૂંટારૂઓની ઓળખ મેળવવા તજવીજ
આ ઘટનાને લઈને, ભાવનગર પોલીસ મથકના એસ.પી., એલસીબી અને એસઓજી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી કેમરાનું અભ્યાસ કરીને આરોપીઓની ઓળખાણ માટે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને ઝડપી કાર્યવાહી કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.