અમરેલી પ્રાથમિક સારવાર બાદ મેડિકલ રિપોર્ટ માટે બાળકીને રાજકોટ ખસેડાઈ: વાલી વિગતો છુપાવતા હોવાની શંકા
અબતક રાજકોટ
ચિતલ ગામમાં રહેતી બે વર્ષની માસૂમ બાળકીને થોડા દિવસ પહેલા ગુપ્તાંગમાં ઇજા થઇ હતી. જેને અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તબીબને બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાની શંકા જણાતા તેણીનું મેડિકલ રિપોર્ટ કરવા માટે પોલીસને જાણ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ ખેત મજૂરી કરતા પરિવારની માસુમ બાળકી સાથે કઈક અજુગતું થયા છતાં વાલીઓ વિગત છુપાવતા હોવાની શંકા પણ સેવાઈ રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચિતલમાં રહેતો પરપ્રાંતીય પરિવાર તેની બે માસની પુત્રીને લઇને મંગળવારે સવારે દશેક વાગ્યે રાજકોટની સરકારી હોસ્પિટલે આવ્યો હતો, બાળકીના ગુપ્તાંગમાંથી લોહી વહેતું હતું અને કણસતું હતું, જેથી બાળકીને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પીડિયાટ્રિશિયને તપાસ કરતાં બાળકીના મળમાર્ગ અને મૂત્રમાર્ગ વચ્ચેનો પડદો તૂટી ગયો હતો, તબીબોએ ઇજા અંગે પરિવારજનોની પૃચ્છા કરતા બાળકી વાડીએ ઝાડના છાંયામાં સૂતી હશે ત્યારે અન્ય બાળકોએ રમતાંરમતાં તેના ગુપ્તાંગમાં કોઇ વસ્તુ ઘુસાડી દેતા ઇજા હોવાનું રટણ રટ્યું હતું.
પીડિયાટ્રિશિયને બાળકીનું સારવાર કરતાં તેણી સાથે કઈક અજુગતું થયાની શંકા લાગી હતી જેથી તબીબે ગાયનેક વિભાગના નિષ્ણાતની મદદ લીધી હતી. ગાયનેક વિભાગના તબીબે બાળકો સાથે દુષ્કર્મ થયાની દૃઢ શંકા સેવાતા તેઓએ સૌપ્રથમ પોલીસને આ અંગે જાણ કરી હતી. એટલું જ નહિ તબીબો દ્વારા વાલીઓની ઉલટ તપાસ કરતા તેઓની પૂછપરછ કરતા માતા પિતા હાંફળાફાંફળા થઈ ગયા હતા. એક તબક્કે તો બાળકીને લઇને પરિવારજનો જતા રહેશે તેવી શંકા ઉઠતાં તબીબે બાળકોના આઇસીયુ વિભાગમાં બાળકીને દાખલ કરી દીધી હતી અને અમરેલી પોલીસને ઘટનાની જાણ કરી હતી.
આ ઘટનાની ગંભીરતાબે ધ્યાનમાં લઈ તબીબોએ જણાવ્યું હતું કે, બાળકીના મળમાર્ગ અને મૂત્રમાર્ગ વચ્ચેનો પડદો તૂટી ગયો હતો, જેથી મૂત્રમાર્ગથી મળત્યાગની પ્રક્રિયા હાલમાં થઇ રહી છે, બાળકોએ રમત રમતમાં કંઇક ઘુસાડી દીધાની પરિવારજનો જે વાત કરી રહ્યાં છે તે તબીબોને ગળે ઉતરતી નહોતી, તબીબોએ બાળકી પર દુષ્કર્મ થયા અંગેની શંકા પરથી તે અંગેના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા હતા, અમરેલી પોલીસે પણ તબીબોની શંકા પરથી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. તબીબોએ એવું પણ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટ હોસ્પિટલના ઇતિહાસમાં છ માસની બાળકી પર દુષ્કર્મ અંગેનો કિસ્સો અગાઉ આવેલો છે પરંતુ જો આ બાળકી પર દુષ્કર્મ થયું હશે તેવું રિપોર્ટમાં સ્પષ્ટ થશે તો બે માસની બાળકી પર ક્યા નરાધમે આવું કૃત્ય કર્યું હશે તે તપાસનો વિષય બનશે, અને પોલીસ માટે પણ આ પડકારજનક કેસ સાબિત થશે.