દેણું કરીને ઘી કે ઝેર…? પીવાઈ ?
પાકિસ્તાન, શ્રીલંકા, કેન્યા, મોંગોલિયા, લાઓસ જેવા દેશો દેણું ભરવામાં નિષ્ફળ
પોતાની લોન આપવાની પોલિસી અંતર્ગત વિકાસશીલ દેશોને લોન આપીને તેમને લોનના દલદલમાં એટલું ઢકેલી દે છે કે તે દેશ ચીનના દબાણ હેઠળ આવી જાય છે, એવો પશ્ચિમી દેશો ચીન પર સતત આરોપ લગાવતા રહ્યા છે. જોકે ચીન હંમેશાથી આ આરોપોને ફગાવતું રહ્યું છે.ચીન દુનિયાનો સૌથી મોટો લોન આપનારો દેશ છે. મિડલ ઈન્કમ અને લો ઈન્કમવાળા દેશોને લોન આપવામાં ચીન છેલ્લા 10 વર્ષમાં ત્રણ ગણી ઝડપે આગળ વધ્યું છે. ચાઇના એ શ્રીલંકા, પાકિસ્તાન, કેન્યા, જાંબિયા, લાઓસ, મોંગોલિયા જેવા દેશોને લોન આપી પોતાની જાલમાં ફસાવ્યા છે અને તેઓને અજગરી ભરડામાં પણ ફસાવાયા છે.
વિકાસશીલ દેશોને ચીનની તરફથી આપવામાં આવેલી લોન મોટા ભાગે સત્તાવાર રીતે નોંધવામાં આવતી નથી. તેને સરકારી બેલેન્સશીટમાં બતાવવામાં આવતી નથી. અમુક વખતે ચીન સરકારને સીધી લોન આપવાની બદલે સરકારી માલિકીની કંપની અથવા બેંકના માધ્યમથી લોન આપે છે. એક ડેટા મુજબ 40થી વધુ મિડલ અને લો ઈન્કમવાળા દેશ છે, જેના પર ચીનની એટલી લોન છે કે તે તેમના કુલ જીડીપીના 10 ટક્કા હિસ્સા બરાબર છે.નિષ્ણાતોના કહેવા મુજબ આ દેશ એકદમ ગરીબ હોય છે. તેમને રિસોર્સ જોઈતા હોય છે એટલે તેઓ સરળતાથી ચીનના દબાણ હેઠળ આવી જાય છે. અમુક વખતે આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી લોન મળવાની મુશ્કેલ થતા ચીન એવા દેશોને સરળતાથી લોન આપી દે છે. પરંતુ લોન આપતા સમયે તેમની શરતો મનમાની ભરેલી હોય છે. તેમજ તે મોંઘા દરે લોન આપે છે.
ગરીબ દેશ અનેક વખતે એવા મેમોરેન્ડમ પર સાઈન કરે છે જેમાં ચીન તેમને ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં મદદ કરે છે પરંતુ જ્યારે લોન પાછી કરવાનો વખત આવે છે ત્યારે તેમાં અનેક હિડેન ચાર્જીસ હોય છે, જે ભરવામાં નાકે દમ આવી જતો હોય છે. તેથી તેનો ફાયદો ચીન ઉઠાવે છે.ચીની ડ્રેગન હર હંમેશ લોન આપવાની લોલીપોપ આપી નાના દેશોને પોતાના અજગરી ભરડામાં વસાવી લેતું હોય છે ત્યારે શ્રીલંકા ની સ્થિતિ પણ એવી જ થઈ.શ્રીલંકા ભારતથી દુર થયું અને ચીનથી નજીક આવ્યું હતું. જોકે આ નિકટતાનો લાભ શ્રીલંકાએ ઓછો અને ચીને વધુ લીધો હતો. રાજપક્ષે રાષ્ટ્રપતિ હતા ત્યારે જ શ્રીલંકામાં હેમ્બન્ટોટા બંદર પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. શ્રીલંકાની સરકારે આ પ્રોજેક્ટ માટે ચીન પાસેથી 2007 અને 2014ની વચ્ચે 1.26 અબજ ડોલરની લોન લીધી હતી. આ લોન એક વાર નહીં પરંતુ 5 વખત લેવામાં આવી હતી.
હાલ આ તમામ દેશો એટલા નાણાકીય બોજા હેઠળ આવી ગયા છે કે તેઓને તેમના દેશમાં શાળા ચલાવી, લોકોને ઉર્જા આપવી તથા ખોરાક ખવડાવવા માટે પૂરતા નાણા નથી. પાકિસ્તાન જેવા નાના દેશોની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાને ટેક્સટાઇલ કર્મચારીઓની છટણી કરી છે અને આ આંકડો દસ લાખથી વધુનો છે. કેન્યામાં સિવિલ સર્વિસ માં કામ કરતા કર્મચારીઓના પેમેન્ટ પણ કેન્યા સરકારે અટકાવી દીધા છે જેથી તેઓ વિદેશી લોનની ભરપાઈ કરી શકે. જાંબિયા દેશની અર્થ વ્યવસ્થા પણ અત્યંત ડામા ડોળ થઈ રહી છે ત્યારે આદેશ સ્વાસ્થ્ય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તથા ખેડૂતોને આપવામાં આવતી સબસીડી ઉપર રોક મૂકી છે જેથી અત્યારે ખર્ચો ન થાય અને જે વિદેશી લોન છે તેની સહજ રીતે ભરપાઈ કરી શકે.
ચાઇના દ્વારા આપવામાં આવતી લોનના પગલે જાંબીયા માં બેરોજગારીનું પ્રમાણ 50 ટકા વધી ગયું છે અને 17 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે.