- એક તરફ મંત્રણા, બીજી તરફ ઉંબાળીયા
ચીન એક તરફ ભારત સાથે રાજદ્વારી બેઠકો યોજી રહ્યું છે તો બીજી બાજુ ભારતની સરહદ નજીક ઉબાળીયા પણ કરવામાં કોઇ કસર છોડી રહ્યું નથી. ચીનની આ રાજનીતિ બેવડી છે. જે વિશ્વ સમક્ષ સમાધાનકારી વલણ અપનાવવામાં આવતું હોવાનો ડોળ ઉભો કરે છે. જ્યારે ભારત સામે આડોળાઈ કરે છે.
ખંધુ અને ચાલબાજ ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર શાંતિની વાતો કરી રહ્યુ છે અને બીજી તરફ સરહદ નજીક મોટા પાયે પોતાના લશ્કરી નેટવર્કને મજબૂત બનાવી રહ્યુ છે. ભારતના એક અંગ્રેજી અખબારે સેટેલાઈટ તસવીરોના હવાલાથી કહ્યુ છે કે, 2020 બાદ લાઈન ઓફ એક્ય્યુલ કંટ્રોલ નજીક ચીને પોતાની મિલિટરી ક્ષમતાઓમાં વધારો કરવાનુ ચાલુ રાખ્યુ છે. જેના કારણે ચીન પાસે ભારતીય સેના સામે મોટા પાયે લશ્કરી ઓપરેશન હાથ ધરવાની ક્ષમતા પેદા થઈ છે.
2020માં ભારત સાથે શરૂ થયેલા લશ્કરી ટકરાવ બાદ ચીને પોતાના વિસ્તારમાં મોટા બદલાવ કર્યા છે. તસવીરો દર્શાવી રહી છે કે, ચીને પોતાની આક્રમક ક્ષમતાને વિસ્તારવા માટે અને ઝડપથી સૈનિકોને તૈનાત રી શકાય તે માટે મોટા પાયે એરપોર્ટ, હેલિપેડ, રેલવે સુવિધાઓ, મિસાઈલ બેઝ, રસ્તાઓ અને બ્રિજ બનાવી દીધા છે.
ચીને નવા રનવે બનાવવા માટે પણ કામગીરી શરૂ કરી દીધી છે. લડાકુ વિમાનોની સુરક્ષા માટે મજબૂત શેલ્ટર બનાવ્યા છે અને નવા કંટ્રોલ ટાવર પણ ઉભા કરવા માંડ્યા છે. આ તમામ સુવિધાઓ હોતાન, ન્ગારી ગુનસા અને લ્હાસા એરફિલ્ડ પર ઉભી કરવામાં આવી રહી છે. આ પૈકી હોતાન એરફિલ્ડ તો લદ્દાખની રાજધાની લેહથી માત્ર 400 કિલોમીટર દુર આવેલુ છે.
ઉલ્લેખનીય છે કે, જૂન 2020માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સેના વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને સામે ભારતીય સેનાએ ચીનને ક્યારેય ના ભુલી શકાય તેવો ફટકો માર્યો હતો.