હાઈડ્રોપાવર પ્રોજેકટના વિવાદ બાદ ચીનને પાકિસ્તાન પર આર્થિક ભરોસો ઓછો થયો: કેટલાક પ્રોજેકટમાંથી હાથ ખંખેરી લેવા ચાઈનીઝ કંપનીના પ્રયાસો

એશિયાને યુરોપ સાથે રેલવે પરિવહન તથા પોર્ટ અને અન્ય પ્રોજેકટથી જોડવા ચીને ૯૦,૦૦૦ કરોડના ખર્ચે મહાકાય સીલ્ક રોડ પ્રોજેકટ શરૂ કર્યો છે. પરંતુ ચીનના સીલ્ક રોડનું આ સ્વપ્ન સ્વપ્ન જ બની રહે તેવી શકયતા છે. પાકિસ્તાનને ખાસ મિત્ર ગણતા ચીનને પાકિસ્તાન તરફથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવેમ્બર મહિનામાં હાઈડ્રો પાવર પ્રોજેકટ માલીકી અંગે પાકિસ્તાન સાથે વિખ્વાદ થયો હતો ત્યારબાદ બન્ને દેશ વચ્ચેનો મતભેદ વધતો જાય છે.

પાકિસ્તાનમાં હાલ ચાલી રહેલા ૧૨થી વધુ વિકાસ કાર્યોમાંથી ચીને હાથ ઉંચા કરી લીધા છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ચીન માટે ધોળા હાથી સમાન બનતા જાય છે. પ્રોજેકટ માટે ચીનની કંપનીઓએ મસમોટી લોન લીધી છે. પરંતુ આવક ધીમી અથવા સીમીત હોવાના કારણે લોન ભરપાઈ ન થઈ શકે તેવી દહેશત છે. પરિણામે ચીનની કંપનીઓ પ્રોજેકટથી પીછો છોડાવા માંગી રહી હોવાનું જાણવા મળે છે.

અત્યાર સુધી પાકિસ્તાનને ખિસ્સામાં રાખવાનો પ્રયાસ કરનાર ચીન હવે આર્થિક બાબતોમાં પાકિસ્તાનથી પીછો છોડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાઈડ્રો પાવર પ્રોજેકટ મામલે વકરેલો વિવાદ હવે સમવાનું નામ લેતો નથી. જે રીતે હાઈડ્રો પાવર પ્રોજેકટમાં પાકિસ્તાને ચીનને હાથ ઉપર રાખવા નથી દીધો તે રીતે અન્ય પ્રોજેકટમાં પણ પાકિસ્તાન ફાવવા નહીં દે તેવી ચીનને શંકા છે. પરિણામે ચીનનો મહાકાય ૯૦,૦૦૦ કરોડના સીલ્ક રોડ પ્રોજેકટમાં પાકિસ્તાન ગાબડાની જેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.