શહીદોનું બલિદાન એળે નહિ જવાની વડાપ્રધાને આપેલી ખાતરી, છતા આ મામલામાં વધુ ગંભીર બન્યા વગર નહિ ચાલે: હિન્દી-ચીની ભાઈભાઈના નારાઓ વચ્ચે કરેલી દગાબાજી અને બળજબરીથી પડાવી લઈને કબ્જામાં રાખેલા ભારતના વિશાળ મુલક અંગે ભારત આંખ આડા કાન કરી શકે નહીં: લશ્કરી ઘર્ષણનાં ચિહનો!
ભારતના રાજપુરૂષો અને રાજકર્તાઓએ સારી પેઠે કમજોર બનેલા વિવિધ ‘પાસા’ઓ અંગે ઠોસ પગલાં લઈને ચાણકય-નીતિ અપનાવવાની તાતી જરૂર!
હમણા હમણા ચીને ભારત સાથે અવળ ચંડાઈનું બેહુદું વલણ અપનાવ્યું હોવાનું અને ઉશ્કેરણી વધારી હોવાનું જોઈ શકાય છે. ચીનની આવી ઉશ્કેરણી અને હિલચાલને હળવાશથી લઈ શકાય તેમ નથી. ઓછામાં પૂરૂ ચીન, પાકિસ્તાન અને નેપાળ પણ ભારત માટે આંતરિક પડકારરૂપ બન્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. કોરોનાગ્રસ્ત ભારત માટે આ પડકાર જેવો તેવો નથી ! વડાપ્રધાને શહીદોના બલિદાન નકામા નહિ જવાની ખાતરી આપી છે. પરંતુ આ મામલામાં વધુ ગંભીર બન્યા વગર અને વધુ સાવધ બન્યા વિના નહિ ચાલે એવું જ ચિત્ર ઉપસે છે.
૧૯૬૨માં ચીને અચાનક અને છેતરામણું આક્રમણ કરીને ભારતનો વિશાળ મુલક બળજબરીથી પડાવી લઈને તેના ઉપર કાયમી જમાવી લીધો છે તે ઘટના ભારત જતી કરી શકે તેમ નથી.
હિન્દી-ચીની ભાઈભાઈના નારા વચ્ચે ચીનેભારત ઉપર લશ્કરી આક્રમણ કર્યું હતુ અને તિબેટની માલિકીને તકરારનો મુદો બનાવ્યો હતો. તે વખતના તિબેટના દલાઈ લામા ભારત સાથેની સરહદ ઓળંગીને ભારતમાં આવી ગયા હતા. તેમણે ભારત સરકાર પાસે રાજકીય આશ્રય માગ્યો હતો અને નહેરૂ સરકારે તેને મંજૂરી આપી હતી. તે વખતથી તેઓ ભારતમાં જ રહ્યા છે.
ચીન પાકિસ્તાનની જેમ શત્રુ દેશ જેવો બની રહ્યો છે ચીને ભારતના ઈશાન-પ્રદેશ અરૂણાચલ પણ પોતાની માલિકીનો હોવાનો દાવો કર્યો છે. અને તેને માટે પણ તકરાર ઉભી રાખી છે.
ભારતીય કાશ્મીરના ૩૭૦ની કલમ દૂર કરતી વખતે તેને ત્રણ ભાગમાં વહેચી દેવાયું હતુ, અને લદાખને એક ભાગ બનાવી દેવામાં આવ્યું હતુ.
ઈતિહાસ પ્રસિધ્ધ શ્રી ચાણકયે એ વખતના દેશકાળમાં એવું કહ્યું જ હતુ કે, કોઈ પણ લઘુમતી કોમને દેશની સરહદ પરના પ્રદેશને તેની કુલ સત્તા હેઠળનું રાજય ન બનવા દેવાય કારણ કે એમાં દેશની સલામતીનો મુદો રહે છે.
હમણા હમણા લદાખમાં ચીની હુમલાઓ થતા રહ્યા છે !
ચીનના સંદર્ભમાં ચાણકયની નીતિ અહી ઉલ્લેખનીય છે. ચાણકય એક સાધારણ ઝુંપડીમાં રહેતા હતા. તેઓએ રાહત કામને માટે ઘોષણા કરાવી. પ્રદેશ આખો દુષ્કાળથી પ્રભાવિત લોકોની પાસે ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડા ન હતા. આવી ઠુઠવી નાખતી ઠંડી, જે કોઈ સાધન સંપન્ન લોકો હતા તેઓ પોત પોતાના ઘરથી ધાબળાઓ લાવીને આવે ! આવી ઘોષણા કરી હતી આવી ઘોષણા થતા જ મહામાત્યની ઝુંપડીમાં ધાબળાઓનો ઢગલો થઈ ગયો. ચાણકય પોતાની ઝુંપડીમાં બેઠા હતા. સાથે ધાબળાનો ઢગલો પડયો હતો. પરંતુ ચાણકયે પોતે તેનો એક જૂનો ફાટેલ ધાબળોજ ઓઢી રાખ્યો હતો રાત્રીનાં સમયે ત્યા એક ચોર ઘૂસ્યો. ઝુંપડીમાં છુપાઈ લપાઈને ચાણકયને સૂઈ જવા સુધી રાહ જોઈ બેસી ગયો.
આ સમય દરમ્યાન કોઈ વિદેશી ચાણકયને મળવા આવી પહોચ્યો. ચાણકયને જૂના ફાટેલ ધાબળાને ઓઢી બેઠેલા જોતા તેમણે કહ્યું સામે તો સારા એવા ધાબળાનો ઢગલો પડયો છે. તો પછી તમો આમાંથી લઈને શા કારણે ઓઢતા નથી ? ચાણકયે કહ્યું. તે જનતાને માટે છે. પ્રજાને માટે છે. તો મારા માટે ઉપયોગ ન કરી શકાય ! વિદેશી આ સાંભળી આશ્ર્ચર્યચકિત થઈ ગયો. પરંતુ સંતાયેલ ચોરને તો એવો બોઠપાઠ લાધ્યો કે તેમણે ચોરી કરવાનું જ છોડી દીધું !
જે વ્યકિત પ્રશાસનને ભોગવે છે. તે ચાણકયની આ વાતથી કોઈ પ્રેરણા ગ્રહણ કરે ત્યારે આપણી સ્વતંત્રતા સાર્થક લેખાશે.
ચાણકયની આ નીતિ રીતિનો ભારતના સત્તાધીશો ચીન સાથેની નીતિ રીતિમાં ઉપયોગ કરી શકે. અહીં મહાભારતનો દેશકાળણ શ્રી કૃષ્ણની નીતિ રીતિ દર્શાવે છે. ‘જો શિશુપાલ ૯૯ વખત નહિ બોલવાનું બોલશે તો હું સાંખીશ, પણ તે પછી ૧૦૦મી વખત અપમાન જનત બોલશે તે હું એનું માથું કાપી નાખીશ.
ભારતે પણ ચીન-પાકિસ્તાનની બાબતમાં આ નીતિ અપનાવવી ઘટે અને એ માટે મુત્સદીગીરી તથા ત્રેવડ દાખવવી પડે ! અર્થાંત, ચાણકયને ભારતની નીતિ રીતિનો આદર્શ બનાવવા ઘટે !