ચીન અરુણાચલ પ્રદેશમાં તેના હરામીપણાથી બાજ નથી આવતું તેણે ફરી એકવાર અરુણાચલ પ્રદેશના સ્થાનોને લઈને ચાઈનીઝ, તિબેટિયન અને પિનઈન લિપિમાં નામોની યાદી જાહેર કરી છે. ચીને આ કૃત્ય ભારતીય પ્રદેશો પર તેના અધિકારો જતાવવાની બદનિયતથી કર્યું છે.બીજી તરફ બગલમે છુરી ઓર મુખમે રામનામની કહેવતની જેમ ચીન ભારત સાથે સંબંધો વધારવાની પણ વાત કરે છે.
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ જાહેર કર્યા હતા. તેમાં બે ભૂ ભાગના નામ, બે રહેણાક ક્ષેત્રોના નામ, પાંચ પર્વતીય ક્ષેત્રોના નામ અને બે નદીઓના નામ છે. ચીન સરકારની પ્રાંતીય પરિષદે તિબેટના દક્ષિણ ભાગને જંગનનનું નામ આપ્યું છે. આ માહિતી ચીન સરકારના એક અખબારે આપી હતી.
ચીન સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશના ક્ષેત્રોના બદલાયેલા નામ ત્રીજી વખત જાહેર કરાયા છે. અગાઉ 2017માં ચીને અરુણાચલ પ્રદેશના 6 સ્થળોના નામ અને 2021 માં 15 સ્થળોના નામની યાદીઓ જાહેર કરી હતી. ભારત આ બંને યાદીઓને ફગાવતા વાંધો ઊઠાવી ચૂક્યું છે. ભારતે હંમેશા કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. તેના પર ચીનનો દાવો તેની બદનિયતનો પુરાવો છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ભારત અને રશિયા વિશ્વની ઉભરતી શક્તિ છે. ચીને ભારત સાથે સંબંધો વધારવાની વાત પણ કરી હતી અને રશિયા સાથે વધુ સારા અને મજબૂત સંબંધો બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. રશિયાની નવી વિદેશ નીતિ અંગેના પ્રશ્નના જવાબમાં માઓએ કહ્યું હતું કે ચીન, રશિયા અને ભારત નોંધપાત્ર પ્રભાવ ધરાવતા મોટા દેશો ઉભરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ઊંડા અને જટિલ ફેરફારોનો સામનો કરી રહ્યા છે.
ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શિયાઓજિયાને ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ચીન, રશિયા અને ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે વાતચીત કરીને અને સાચા બહુપક્ષીયવાદનો બચાવ કરીને અને વૈશ્વિક પડકારોનો સંયુક્ત રીતે જવાબ આપીને વિશ્વને સકારાત્મક સંકેત મોકલી શકે છે તેમ ટ્વિટમાં તેમણે લખ્યું હતું.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ચીન અને રશિયા નવા પ્રકારના સંબંધો વિકસાવવા માટે કામ કરી રહ્યા છે. જેમાં પરસ્પર આદર, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સહકારનો સમાવેશ થાય છે. આ દ્વિપક્ષીય સંબંધ કોઈ ત્રીજા પક્ષને ટાર્ગેટ બનાવવા માટે નથી કે તે કોઈ અન્ય દેશને પ્રભાવીત કરવા માટે નથી.