ભારત સાથેના ઇરાનના સંબંધો કાયમ સારા જ રહેશે, બન્ને દેશો વચ્ચે વ્યાપારી સંબંધો સુધારવાની પણ હિમાયત: ઇરાનના રાજદૂતનું સત્તાવાર નિવેદન
ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચાલતા વિવાદમાં ચીને સમાધાન કરાવ્યું છે. જો કે અત્યાર સુધી ચીનની આ મધ્યસ્થીને ભારત સામે જોખમ ઉભું કરનાર ષડયંત્ર રૂપે જોવાતી હતી. પરંતુ ઇરાનના રાજદુતે આ વાતનું ખંડન કરીને કહ્યું છે કે આ મધ્યસ્થીથી ભારતને કોઈ નુકસાન નહિ થાય, ભારત સાથેના ઇરાનના સંબંધો કાયમ રહેશે. ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈહાલીએ ઈરાન, સાઉદી અરેબિયા અને ભારત વિશે ઘણી વાતો કહી છે. તેમણે કહ્યું કે ઈરાન અને સાઉદી અરેબિયા ઈસ્લામિક વિશ્વના બે આધારસ્તંભ છે. બંને દેશો વચ્ચે અલગ સમાનતાઓ છે.
ઇહાલીએ કહ્યું, ’અલબત્ત, બંનેના રાજકીય દૃષ્ટિકોણમાં તફાવત છે. મુખ્ય મુદ્દો એ છે કે ઈરાને સાઉદી અરેબિયાને સ્વીકારવું જોઈએ અને સાઉદી અરેબિયાએ ઈરાનને સ્વીકારવું જોઈએ. અમે સાઉદી અને અન્ય દેશોને સન્માનની નજરે જોઈએ છીએ. તેમની આંતરિક બાબતોમાં દખલ ન કરવી એ આપણી વિદેશ નીતિનો મૂળ સિદ્ધાંત છે.
તેમણે વધુમાં કહ્યું કે સાઉદી અરેબિયા સુન્ની વિશ્વમાં અગ્રણી દેશ છે. ઈરાન શિયા વિશ્વમાં અગ્રણી દેશ છે. તેથી તે સેક્ટર પર સકારાત્મક અસર કરશે. આગામી મહિનાઓમાં દૂતાવાસો ખુલ્લી રહેશે અને બંને દેશો વચ્ચેના સંબંધો ફરી શરૂ થશે અને આ ક્ષેત્રની વિવિધ કટોકટીમાં મદદ કરશે.
ઇરાની ભારત સાથે વ્યાપાર વધારવાની હાંકલ
ઇહાલીએ કહ્યું, અમે હંમેશા ભારતમાં અમારી નિકાસ ફરી શરૂ કરવા માટે અમારી તૈયારી દર્શાવીએ છીએ. તે ભારત પર નિર્ભર છે. હું કહેવા માંગુ છું કે પ્રતિબંધો હેઠળના દેશોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તમામ દેશોએ પ્રતિબંધો હેઠળ કેવી રીતે જીવવું તે શીખવું જોઈએ, નહીં તો તેઓ તેમના હિત ગુમાવશે.’
ચાબહાર પોર્ટનો ઈરાન-ભારત વધુમાં વધુ ઉપયોગ કરે તેવી સલાહ
ઇરાનના રાજુદતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભૌગોલિક રીતે ઇરાનનું ચાબહાર પોર્ટ એ ભારત સાથે વ્યાપાર વધારવા માટે ખૂબ અગત્યનું પોર્ટ છે. આ પોર્ટનો ઈરાન અને ભારત વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે પગલાં લેવા જોઈએ. વધુમાં તેઓએ ચાબહાર પોર્ટની વિશેષતાઓ અને ફાયદાઓ ઉપર પણ ભાર મુક્યો હતો.
ક્રૂડ ખરીદવા ઈરાનનું ભારતને આમંત્રણ
તેમણે વધુમાં રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, ’ભારતને રશિયાની સ્થિતિનો ફાયદો મળી રહ્યો છે અને કોઈ ભારતને દોષી ઠેરવી શકે નહીં. ભારત પોતાના રાષ્ટ્રીય હિતનું પાલન કરી રહ્યું છે અને ઈરાન પણ પોતાના રાષ્ટ્રીય હિતને અનુસરી રહ્યું છે. અમે શીખ્યા કે પ્રતિબંધો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. માત્ર તેલની નિકાસમાં જ નહીં પરંતુ મની ટ્રાન્સફરમાં પણ અમે પ્રતિબંધોનો સામનો કર્યો છે. વધૂમાં તેઓએ ક્રૂડ માટે પણ ભારતને આમંત્રણ આપ્યું છે.