ઈરાનમાં ભારત દ્વારા વિકસીત ચાબહાર પોર્ટ નજીક સૈન્ય અડ્ડો સ્થાપવા ડ્રેગનની ચાલ
ઈરાનમાં નિર્માણાધીન ચાબહાર પોર્ટ વૈશ્ર્વિક રાજકારણમાં ભારતનો માસ્ટર સ્ટ્રોક છે. ઓમાનની ખાડીથી જોડાયેલા ચાબહાર બંદરની મદદથી ભારત હવે પાકિસ્તાનને બાયપાસ કરીને ઈરાન તથા અફઘાનિસ્તાન સાથે એક નવા સરળ માર્ગે વ્યાપાર કરી શકશે. ચીનના સહયોગથી પાકિસ્તાનમાં વિકસીત ગ્વાદર બંદર સામે ભારતે ચાબહાર ઉભુ કર્યું છે. માટે ચીનને પેટમાં દુ:ખાવો થયો છે.
સત્તા સંભાળ્યાની સાથે જ વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ અફઘાનિસ્તાનના વડાપ્રધાન સાથે વાર્તાલાપ કર્યો હતો. એશિયામાં અફઘાનિસ્તાનની મહત્ત્વતા સમજી આ નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાનને બાયપાસ કરવાનો સૌથી સારો માર્ગ અફઘાનિસ્તાન છે તે મોદી સરકારની થીંક ટેન્ક સારી રીતે જાણે છે. ચાબહાર પોર્ટ સૌરાષ્ટ્ર માટે પણ અતિ મહત્વનો બની જાય છે. ચાબહાર પોર્ટથી સૌરાષ્ટ્રના બંદરો સૌથી ઓછા નોટીકલ માઈલના અંતરે આવેલા છે. ચાબહાર બંદરથી સૌરાષ્ટ્રના બંદરો નજીક હોવાથી સસ્તા અને સરળ પરિવહન મળશે. પરિણામે વ્યાપાર સસ્તો પડશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતે તાજેતરમાં જ ચાબહાર પોર્ટના મારફતે અફઘાનિસ્તાનમાં ઘઉંના વિશાળ જથ્થાથી ભરેલુ જહાજ મોકલ્યું હતું. બન્ને દેશ વચ્ચે ચાબહાર માર્ગે થઈને આ પ્રથમ વ્યાપારીક પ્રયાસ હતો. ચાબહારથી માત્ર ૧૦૦ કિલોમીટરના અંતરે પાકિસ્તાનનું ગ્વાદર બંદર બાંધવામાં આવી રહ્યું છે. જે ચીનની મદદથી બને છે. ચાબહાર બંદર આર્થિક રીતે ભારતમાં હુકમનો એક્કો હોવાની વાત ચીન સમજી ગયું છે. માટે ચીને ચાબહાર બંદર નજીક સૈન્ય અડ્ડો બનાવવાનો તખ્તો તૈયાર કર્યો છે.
વોશિંગ્ટન ટાઈમ્સના અહેવાલ મુજબ ચીન સમુદ્રમાં સૈન્ય અડ્ડાઓ સ્થાપવાની ગતિ વધારી શકે છે. પાકિસ્તાનની સાથે મળીને ચીને વિશાળ સૈન્ય અડ્ડો સ્થાપવા માટે ચર્ચા કરી છે. આ સૈન્ય અડ્ડો ચાબહાર પોર્ટની નજીક ઓમાનની ખાડીની સરહદ પાસે બનાવી શકે છે. આ સૈન્ય અડ્ડો ગ્વાદર બંદરથી નજીક રહેશે. આ અડ્ડાથી મુંબઈ કોસ્ટની તદન સામે અરેબીયન સીમા ઘુસપેઠ ચીન માટે સરળ બની જશે.
સમુદ્રમાં બંદરો અને સૈન્ય અડ્ડાઓનું માળખુ ગુથવામાં ચીન દર વર્ષે અરબો ડોલર ખર્ચી રહ્યું છે. સરહદી વિવાદ ધરાવતા તમામ દેશોને સામ-દામ-દંડ-ભેદથી ફસાવવાનો પ્રયાસ ચીનનો છે. ભારતની મદદથી વિકસતા ચાબહાર પોર્ટ ચીનને આંખમાં કણાની જેમ ખૂંચે છે. માટે ચીન આ દરીયાઈ માર્ગે રોડા નાખવાનું શરૂ કરશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ચાબહાર પોર્ટ હાલ તો પ્રારંભીક તબકકે જ કાર્યરત છે. પરંતુ વર્ષ પૂર્ણ થતા પોર્ટમાં મહત્તમ કામગીરી શરૂ થઈ જશે. પરિણામે જળમાર્ગે વ્યાપાર સરળ, સસ્તો અને ઓછો જોખમી રહેશે. આ પોર્ટનો બહોળો ફાયદો સૌરાષ્ટ્રના પીપાવાવ સહિતના બંદરોને થઈ શકે છે. ચાબહાર પોર્ટ સૌરાષ્ટ્રના બંદરોથી નજીક હોવાથી સૌરાષ્ટ્રમાં કોસ્ટલ લાઈનનો વિકાસ પણ જરૂરી બની જાય છે.