ચીન અને મલેશિયામાં મોકલવામાં આવતા નાણાં અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
ચીનના વધુ એક હરામીવેળા સામે આવ્યા છે. અગાઉ ચાઈનીઝ એપ્લિકેશન મારફત લોકોને એક અથવા બીજી રીતે સોશ્યલાઈઝ કરી ખાનગી વિગતો મેળવીના કારસ્તાન પરથી પડદો ઉંચકાયા બાદ ભારતે સેંકડો ચાઈનીઝ એપ્લિકેશન પ્રતિબંધિત કરી દીધી હતી. જે બાદ જ્વે ચીન દ્વારા ભારતના લોકોને સાયબર ફ્રોડમાં હાથો બનાવી ક્રિપ્ટોમાં સાલવી રહયાનો ધડાકો થયો છે.
સાયબર ફ્રોડો પાસે રાજ્યમાં નિર્દોષ પીડિતો પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરાવી તે નાણાં ત્વરિત લોન એપ મારફત દરરોજ કરોડો રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવાનું કૌભાંડ હાલ વડોદરા સાયબર પોલીસના ધ્યાને આવ્યું છે. આ નાણાં મલેશિયા અથવા ચીન મોકલવામાં આવે છે તેવું પણ પોલીસના ધ્યાને આવ્યું છે.
ગુજરાતમાં પોલીસ દ્વારા પર્દાફાશ કરાયેલી ગેંગ દરરોજ રૂ. 2 થી 3 કરોડની વચ્ચે ગમે ત્યાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતી હતી. વડોદરાના એસીપી (સાયબર ક્રાઇમ) હાર્દિક માકડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાંણે ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવા અને તેને વિદેશમાં મોકલવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ હાયર કરવામાં આવી રહ્યા છે.
તે માત્ર એક જ ગેંગ છે. આવા ઘણા સાયબર કૌભાંડીઓ રોજેરોજ વિદેશમાં તેમના ચાઈનીઝ સમકક્ષોને કરોડો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી મોકલી રહ્યા છે. એકવાર નાણાં ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત થઈ ગયા પછી, તે પૈસાની ભાળ મેળવી શકાતી નથી. એક આરોપી રેકેટને અંજામ આપતી ચીની ગેંગને મળવા માટે મલેશિયા પણ ગયો હતો, અમારી પાસે મીટિંગના ફોટોગ્રાફ્સ છે, તેવું માકડિયાએ જણાવ્યું છે. પોલીસે દેશભરમાં એવા થોકબંધ બેંક ખાતા શોધી કાઢ્યા છે જેનો આ કૌભાંડમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેતરપિંડીનો ખુલાસો કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે, કોનમેન વિવિધ આકર્ષક યોજનાઓ દ્વારા દરરોજ સેંકડો લોકોને છેતરે છે અને તેમના નાણાં ઓનલાઈન ઉપાડે છે. બિનશંકાસ્પદ લોકોના ઓળખ દસ્તાવેજો અથવા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોલવામાં આવેલા બેંક ખાતાના વેબ દ્વારા પૈસા ફેરવવામાં આવે છે. બેંક ખાતાઓ ઘણીવાર ચાઈનીઝ ગેંગ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
ત્યારબાદ તમામ નાણાં એક જ બેંક ખાતામાં જમા થાય છે અને પછી ભારતમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ તેને વિદેશી ગેંગના ખાતામાં મોકલવામાં આવે છે. આ પ્રકારના કૌભાંડના નાણાં ખૂબ જ ખતરનાક છે કારણ કે તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ સહિત કોઈપણ હેતુ માટે થઈ શકે છે.
ચાઈનીઝ ગેંગ કૌભાંડને અંજામ આપવા માટે ભારતમાં સ્થાનિક ઓપરેટિવ્સને હાયર કરે છે. કૌભાંડના કેટલાક નાણાં સ્થાનિક ગેંગ સાથે વહેંચવામાં આવે છે અને છેતરપિંડીમાં મદદ કરનારાઓને કમિશન તરીકે ચૂકવવામાં આવે છે.