- તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવી ચીન ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઈચ્છે ત્યારે પુર લઈ આવી શકશે
ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો મેડોગ બંધ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ માટે આ ચિંતાનો વિષય છે. ચીનનું કહેવું છે કે આનાથી નીચાણવાળા વિસ્તારોને અસર નહીં થાય, પરંતુ ભારતીય નિષ્ણાતો તેને વ્યૂહાત્મક ખતરો માને છે.
આ 137 બિલિયન ડોલરના ડેમથી ચીન કાં તો આસામમાં પૂર લાવી શકે છે અથવા તેને સૂકવી પણ શકે છે. ભારત અને ચીન વચ્ચે પાણીની વહેંચણી અંગે કોઈ સમજૂતી નથી. ચીને અગાઉ પાણીનો ડેટા શેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ અસરનો સામનો કરવા માટે ભારત અરુણાચલ પ્રદેશમાં બંધ બાંધવાનું આયોજન કરી રહ્યું છે. ડેમ ધરતીકંપ અને સુનામીનું કારણ બની શકે છે કેનેડિયન એનજીઓ પ્રોબ ઈન્ટરનેશનલના 2012ના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે પશ્ચિમ ચીનમાં 130 થી વધુ મોટા ડેમ બનાવવામાં આવી રહ્યા છે જેના કારણે ભૂકંપ અને સુનામી આવી શકે છે.
ચીનની આ યોજના એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને ચીન સરહદ વિવાદને ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. તેનાથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધી શકે છે. ચીનની આ યોજનાથી ભારત અને બાંગ્લાદેશમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. તેનાથી પૂરનું જોખમ પણ વધી શકે છે. ચીનનું આ પગલું પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આ બંધ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ખતરો
ઉલ્લેખનીય છે કે તિબેટની લાંબી નદી જેને ચીન યાર્લુંગ ત્સાંગપો નદી કહે છે તેને ભારતમાં બ્રહ્મપુત્રા નદી કહેવામાં આવે છે. ઘણા નિષ્ણાતો કહે છે કે ચીન આ વિશાળ ડેમનો ઉપયોગ કોઈપણ સમયે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પૂર લાવવા માટે હથિયાર તરીકે કરી શકે છે. લગભગ 2900 કિલોમીટર લાંબી બ્રહ્મપુત્રા નદી ભારતમાં આવતા પહેલા તિબેટના ઉચ્ચપ્રદેશમાંથી પસાર થાય છે. જે તિબેટમાં પૃથ્વી પરની સૌથી ઊંડી ખાઈ બનાવે છે. જેને તિબેટીયન બૌદ્ધ સાધુઓ ખૂબ જ પવિત્ર માને છે.