ચીનની નજર હવે અફઘાનિસ્તાનના ખજાના ઉપર છે. અફઘાનિસ્તાન પણ તેની જાળમાં બરાબર ફસાયું છે. ચીને અફઘાનિસ્તાનમાંથી તેલ કાઢવાનો કરાર કર્યો છે. પણ નિષ્ણાંતો કહે છે કે આ તો માત્ર બહાનું છે. ચીન અફઘાનિસ્તાનના પેટાળમાંથી કિંમતી ધાતુઓ કાઢવા માગે છે.
ચીન અને અફઘાનિસ્તાન ભાગીદારીના નવા માર્ગ પર આગળ વધ્યા છે. ચીનની કંપની સેન્ટ્રલ એશિયા પેટ્રોલિયમ એન્ડ ગેસ કંપનીએ તાલિબાનના નેતૃત્વવાળી અફઘાનિસ્તાન સરકાર સાથે કરાર કર્યો છે. 5 જાન્યુઆરીના રોજ, અફઘાનિસ્તાનના કાર્યકારી ખાણ અને પેટ્રોલિયમ મંત્રી શેખ શહાબુદ્દીન દિલાવરે આ સોદાની જાહેરાત કરતા કહ્યું કે ચીનની કંપની અમુ દરિયા બેસિનમાંથી તેલ કાઢશે. અમુ દરિયા અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં છે.
આ ગઠબંધન વિશે માહિતી આપતા તાલિબાન સંચાલિત પ્રશાસનના પ્રવક્તા બહુલ્લા મુજાહિદે કહ્યું કે ચીનની કંપની એક વર્ષમાં 150 મિલિયન ડોલરનું રોકાણ કરશે અને 3 વર્ષમાં આ રોકાણ વધીને 540 મિલિયન ડોલર થઈ જશે. તાલિબાન વહીવટીતંત્ર આ ભાગીદારીમાં 20 ટકા શેરહોલ્ડર છે. પરંતુ ભવિષ્યમાં તેનો હિસ્સો વધીને 75 ટકા થઈ જશે.
અંદાજ મુજબ, તેલ ઉપરાંત, અફઘાનિસ્તાન પાસે 1 થી 3 ટ્રિલિયન ડોલરની કિંમતની રેર અર્થ અને અન્ય ધાતુઓનો ભંડાર છે. વોશિંગ્ટન ડીસીમાં અફઘાનિસ્તાનના દૂતાવાસના ભૂતપૂર્વ રાજદૂત અહમદ શાહે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લેન્થેનમ, સેરિયમ અને નિયોડીમિયમ જેવી દુર્લભ પૃથ્વી સામગ્રીનો ભંડાર છે. આ સિવાય એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, જસત, પારો અને લિથિયમ જેવી ધાતુઓ પણ અફઘાનિસ્તાનની જમીનમાં છુપાયેલી છે. અફઘાનિસ્તાનમાં કોઈપણ હરીફની ગેરહાજરીમાં, ચીની કંપની અથવા બેરોક્ટોક આ કિંમતી ધાતુઓનું ઉત્ખનન કરી શકે છે.
અફઘાનિસ્તાનમાં અત્યંત મૂલ્યવાન ધાતુઓ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, રેર અર્થ નામની ધાતુમાં વૈશ્વિક બજારમાં ચીનનું વર્ચસ્વ છે. એવો અંદાજ છે કે વિશ્વના રેર અર્થ રિઝર્વનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો ચીન પાસે છે, ચીન તેનો સૌથી મોટો ઉત્પાદક અને સપ્લાયર પણ છે. આ ધાતુઓનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ અને રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ ઉચ્ચ તકનીકી ઉદ્યોગોમાં થઈ રહ્યો છે.