પ્રથમ વખત બ્રિક્સના દેશોએ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ ઉપર પ્રહાર કર્યા
શિયામાન ઘોષણાપત્રમાં ભારતને આતંકવાદ સહિતના ૧૦ મુદ્દે મળી બહોળી સફળતા
ચીનના શિયામાન શહેરમાં બ્રિકસ દેશોના સંમેલન દરમિયાન કુટનીતિમાં વડાપ્રધાન મોદીને મોટી જીત મળી છે. મોદીની લાંબાગાળાની સુઝબુઝના પરિણામે બ્રિકસ ઘોષણાપત્રમાં પ્રથમવાર લશ્કર એ તોયબા અને જૈસ એ મહમદ જેવા આતંકી સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આતંકી ગતિવિધિઓને સમર્થન આપનારાઓને જવાબ આપવો પડશે તેવું બ્રિકસના ઘોષણાપત્રમાં જણાવાયું છે. પરિણામે હવે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનના પડખે રહેનાર ચીનને જ હવે પાકિસ્તાનનો કાન આમળવો પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચીનના પ્રમુખ શી જિનપીંગ, રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન, બ્રાઝિલના પ્રમુખ માઈકલ ટેમેર તથા દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાએ આતંકવાદ સામે હળીમળીને લડવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. બ્રિકસના ૯માં સંમેલનમાં જાહેર કરાયેલા સીયામેન ઘોષણાપત્રમાં જણાવાયું છે કે, બ્રિકસના દેશો સહિત સમગ્ર વિશ્ર્વમાં થયેલા આતંકી હુમલાઓની અમે નિંદા કરીએ છીએ. અમે દરેક પ્રકારના આતંકવાદની ટીકા કરીએ છીએ. આતંકવાદ અને હિંસાના ટેકેદારો હોય તર્ક આપી શકે તેમ નથી. ઘોષણાપત્રમાં કુલ ૧૭ વખત આતંકવાદ શબ્દનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત ઉગ્રવાદ તથા કટ્ટરપંથના અન્ય સ્વ‚પનો ઉલ્લેખ પણ છે.
અફઘાનિસ્તાનમાં થઈ રહેલી હિંસાનો તત્કાલ અંત લાવવાની હાકલ પણ થઈ છે. આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા પરસ્પર સહકાર વિકસાવવાનું તંત્ર વિકસીત કરવા પણ ભાર મુકાયો છે. ઘોષણાપત્રમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના નામ સામેલ હોવાના કારણે ચીનના વલણમાં પરિવર્તન થવાના સંકેતો મળી રહ્યાં છે. ભારતે ચીન સામે દાખવેલી અડગતાથી ચિંતીત ચીન હવે આ મુદ્દે પાકિસ્તાનને જાટકવા તૈયાર થશે. વડાપ્રધાન મોદીએ બ્રિકસ દરમિયાન આતંકવાદના મુદ્દાને વ્યવસ્થિત પકડી રાખ્યો છે. બ્રિકસને માત્ર વેપારનું સાધન ગણતું ચીન આ વખતે ભારતની કુટનીતિમાં ફસાયું છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ હવે મજબૂરીમાં આતંકવાદના ખાત્મા માટે પગલા લેવાની વાત કરી રહ્યાં છે. અલબત ચીને આતંકી મશુદ અઝહર અંગે કોઈ ટીપ્પણી કરી નથી. ગઈકાલે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે ખાસ મુલાકાત થઈ હતી. આ દરમિયાન બન્ને દેશો વચ્ચેના વ્યાપાર, સરહદી વિવાદ અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. જો કે સત્તાવાર રીતે દોકલામ મુદ્દે ચર્ચા થશે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ નથી.
નિષ્ણાંતોનું માનવું છે કે, ચીન દોકલામ વિવાદને હાલ છંછેડશે નહીં. બ્રિકસ પરિષદ પહેલા દોકલામમાં ભારતે દાખવેલી અડીખમતાથી ચીન ચોંકી ગયું હતું. પરિણામે હવે માત્ર વેપારની દાનત રાખતા ચીને વિવાદમાં પડવાથી દૂર રહેવું પસંદ કર્યું છે.
બ્રિકસ સંમેલનના પહેલા જ દિવસે ભારતે ચીનના લાખ પ્રયત્ન છતાં આતંરરાષ્ટ્રીય આતંકી જુથોની યાદીમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોનું નામ જોડીને ચીનને ફરીથી દ્રઢતા દેખાડી છે. હજુ ગયા અઠવાડિયે જ ચીને ભારતને પાક. પ્રેરીત આતંકવાદનો મુદ્દો ન ઉઠાવવાની સલાહ આપી હતી. પરંતુ અપેક્ષા મુજબ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક. સ્થિત આતંકવાદી સંગઠનો મામલે તમામને પગલા લેવા દબાણ કર્યું છે. ચીની પ્રમુખના મોઢે જ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના નામ બોલાવીને કુટનીતિક ક્ષેત્રે ચીનને જોરદાર તમાચો માર્યો છે.
બ્રિકસ દેશોના સંયુકત નિવેદનથી ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને મજબૂત પીઠબળ મળશે. આ નિવેદનથી યુએનને કોમપ્રિહેન્સીવ ક્ધવેન્શન ઓન ઈન્ટરનેશનલ ટેરેરીઝમ (સીસીઆઈટી)ને ત્વરીત અંતિમ ‚પ આપી વહેલામાં વહેલી તકે અમલીકરણ કરવા પર ભાર મુકયો છે. ચીનને અપેક્ષા હતી કે, આતંકવાદના મુદ્દે ભારત બ્રિકસમાં નરમ વલણ ધારણ કરશે પરંતુ ભારતને બ્રિકસ જેવા મોટા આતંરરાષ્ટ્રીય મંચ ઉપર પાક.ને ખુલ્લુ પાડી દીધું છે અને ચીનને પાક. સામે પગલા લેવા મજબૂર કર્યું છે.