અવકાશની સાથે-સાથે પેટાળમાં પણ સર્વોપરિતાની હોડ જામી
નેચરલ ગેસના સંશોધનમાં ચીનના ફાંફા, કથળતી અર્થવ્યવસ્થા વચ્ચે નવું ઉંબાડીયુ શરૂ કર્યું
અવકાશની સાથે સાથે પેટાળમાં પણ સર્વોપરિતાની હોડ જામી છે. ચીને બીજો એક 10 હજાર મીટરનો ઊંડો ખાડો કરવાનો શરૂ કર્યો છે. નેચરલ ગેસના સંશોધનમાં ચીન ફાંફા મારી રહ્યું છે. જેથી જ તેને કથળતી અર્થવ્યવસ્થા વચ્ચે નવું ઉંબાળીયુ શરૂ કર્યું છે.
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. વિશ્વના ઘણા દેશોએ ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવાનું શરૂ કર્યું છે, જેના કારણે જૂનમાં દેશની નિકાસ ખરાબ રીતે ઘટી છે. હવે ચીને પણ આયાત ઘટાડવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ચીન સૌથી વધુ તેલ અને ગેસની આયાત કરે છે. હવે તેણે પોતાના દેશમાં કુદરતી ગેસના ભંડાર શોધવાનું શરૂ કર્યું છે. આ સંબંધમાં તેઓ આ વર્ષે બીજી વખત 10,000 મીટર ઊંડો ખાડો ખોદી રહ્યા છે.
સરકારી એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, ચાઇના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશને સિચુઆન પ્રાંતમાં સ્થિત ચુઆંકે 1 કૂવાનું ડ્રિલિંગ શરૂ કર્યું છે. તેને 10,520 મીટર ઊંડે સુધી ડ્રિલ કરવામાં આવશે. અગાઉ મે મહિનામાં કંપનીએ શિનજિયાંગ પ્રાંતમાં પણ આવી જ ડ્રિલિંગ કરી હતી. તે સમયે આ દેશનું સૌથી ઊંડું ખોદકામ હોવાનું કહેવાય છે.
ચીની સરકારે તે કૂવાના ખોદકામને પ્રાયોગિક ગણાવ્યું હતું. તેનો હેતુ ડ્રિલિંગ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનો અને પૃથ્વીની આંતરિક રચના પર ડેટા એકત્રિત કરવાનો હતો. સિચુઆનમાં પ્રાકૃતિક ગેસના ભંડારને ઉંડાણપૂર્વક શોધવા માટે ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. સિચુઆન દેશના દક્ષિણપૂર્વમાં છે. તે તેના મસાલેદાર ખોરાક, અદભૂત ટેકરીઓ અને પાંડા માટે જાણીતું છે. આ પ્રાંતમાં ચીનમાં શેલ ગેસનો સૌથી મોટો ભંડાર પણ છે. છેલ્લા છ મહિનામાં, ચીને દરરોજ 11.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે ગયા વર્ષ કરતાં 11.7% વધુ છે. તેમાંથી 2.13 મિલિયન બેરલ રશિયાથી આવ્યા હતા. જૂનમાં આ આંકડો 2.57 મિલિયન બેરલ પર પહોંચ્યો હતો.
ચીનની સરકારી કંપનીઓને અત્યાર સુધી તેલ અને ગેસના સંશોધનમાં બહુ ઓછી સફળતા મળી છે. તાજેતરના વર્ષોમાં, દેશની સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા માટે આ કંપનીઓ પર દબાણ વધાર્યું છે. ચીનના વિદેશી મુદ્રા ભંડારનો મોટો હિસ્સો તેલ અને ગેસની આયાતમાં જાય છે. તાજેતરમાં દેશમાં વીજળીની અછતની સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત ચીન લાંબા સમયથી અમેરિકા સાથે વિવાદમાં છે. ચીન તેની ઈંધણ સુરક્ષા વધારવા માંગે છે.