સરહદીય વિસ્તાર પરની ઘુસણખોરી રોકવા બીએસએફએ કમરકસી
કહેવામાં આવે છે કે, ભારત-પાકિસ્તાનના સંબંધો સહેજ પણ સારા નથી અને દુશ્મન દેશને ચીન દ્વારા અનેક વિધ રીતે તેની સહાયતા પણ કરવામાં આવે છે. તેવામાં કચ્છના સરહદીય વિસ્તારની નજીકમાં જ ચીન અને પાકિસ્તાન દ્વારા ઘણા ખરા ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટોને ચાલુ કરી દેવામાં આવ્યા છે કે જે ત્રણ હજાર કિ.મી. સુધીના વિસ્તારમાં પથરાયેલો છે.
ગુજરાતમાં આતંકી પ્રવૃતિને અંજામ આપવા માટે સરહદીય વિસ્તાર, દરિયાઈ કાંઠા જેવા વિસ્તારનો ઉપયોગ આતંકીઓ હરહંમેશ માટે કરતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘુસણખોરીને રોકવા માટે કચ્છના હરામીનાલા તથા સીરક્રીક તથા નારાયણ સરોવર વિસ્તાર હાઈએલર્ટ પર રાખવામાં આવ્યો છે જેને અનુસરી બીએસએફ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને તેને લઈ સુરક્ષાની સમીક્ષા બેઠક પણ યોજાય છે.પુલવામા થયેલા આતંકી હુમલા બાદ ભારત અને ગુજરાતના તમામ સરદીય વિસ્તાર અને દરિયાઈ માર્ગ પર બીએસએફને તૈનાત કરી દેવામાં આવી છે.
તેમાંય સવિશેષ ઈન્ડો.- પાક. બોર્ડર કે જે કચ્છના સરહદીય વિસ્તારમાં મહદઅંશે આવતી હોય છે તેમાં બીએસએફ વેસ્ટર્ન કમાન્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી જેમાં બીએસએફના ડેપ્યુટી ડીજીપી વેસ્ટર્ન કમાન્ડ સુરેન્દ્ર રાવની અધ્યક્ષતામાં સુરક્ષાને લઈ સમીક્ષા યોજવામાં આવી હતી. ત્યારે પુલવામા થયેલા હુમલા બાદ બીએસએફના જવાનોએ બે પાકિસ્તાનીઓને બોર્ડર વિસ્તારમાંથી પકડી પાડયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ચીનની પણ સેના સરહદીય વિસ્તારની ખૂબજ નજીક આવી ગયેલી છે. કારણ કે, હાલ ચીન અને પાકિસ્તાન વચ્ચે થરપારકર વિસ્તારમાં માઈનીંગ પ્રોજેકટ ચાલુ છે. સિંધ પ્રોવિન્સમાં આવે છે અને પાકિસ્તાન અને ચાઈનીઝ સજોડે માઈનીંગ પ્રોજેકટ અર્થે કામ કરી રહ્યાં છે જેના કારણે કચ્છનો સરહદીય વિસ્તાર ખૂબજ સેન્સેટીવ અને હાઈ એલર્ટ પર માનવામાં આવી રહ્યો છે.