ભારત સરકારે તેની વિદેશ નીતિમા સારી પેઠે માર ખાદ્યા કર્યો છે. આપણા દેશના હમણા સુધીનાં વડાપ્રધાનોમાં હાલના વડાપ્રધાને સૌથી વધારે વિદેશ પ્રવાસ કર્યા છે. અને વિશ્ર્વના મોખરાના બધાજ રાષ્ટ્રોના વડાઓ સાથે મહત્વની ગણાતી મંત્રણાઓ કરીને સમજૂતીઓ પણ કરી છે. ચીન પણ આમાંથી બાકાત નથી. પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને તો વિધિસર નિમંત્રણ વિના પાકિસ્તાનમાં તેમના આવાસે મળ્યા હતા. અને ‘હું તમારો ભાઈ છું’ કહીને ભેટયા હતા. ચીની વડાઓ સાથે પણ તેમણે સારી પેઠે દિલોજાની દાખવી હતી.
કાશ્મીરમાં ભારતીય લશ્કરી છાવણી પર અચાનક ત્રાટકીને પાકિસ્તાની ‘બ્રાન્ડ’ ધરાવતા ખૂંખાર આતંકીઓએ ૪૨ ભારતીય સૈનિકોને મોતને ઘાટ ઉતારીને જબરી સનસનાટી મચાવી હતી આનાં બદલામાં ભારતીય વાસયુસેનાએ વડાપ્રધાને આપેલા છૂટા દોરનાં આધારે સ્ટ્રાઈક-૨ હેઠળ પાકિસ્તાની પ્રદેશમાં ઘૂસીને ‘જૈશ’ના ૩૦૦ જેટલા આતંકીઓનો ખૂરદો બોલાવી દીધો હતો.
ભારતીય સૈનિકોને મોતનાં ખપ્પરમાં ધકેલનાર પાકિસ્તાની આતંકીઓનાં કુકર્મને અમેરિકા સહિતના આગેવાન રાષ્ટ્રોએ વખોડી કાઢ્યું હતુ અને મસુદ -ટોળીને ‘ઝેર’ કરવાની તીવ્ર લાગણી વ્યકત કરી હતી.‘સ્ટ્રાઈક-૨’ના ભારતીય આક્રમણ વખતે આતંકી અડ્ડાઓનો મુખ્ય સુત્રધાર મસુદ કોઈપણ કારણસર છટકી જઈ શકયો હતો.
ભારત સરકારનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકીઓને નેસ્તનાબૂદ કરવાનાં સહિયારાં પગલાંની જ‚રત પર ભાર મૂકીને સૌનો સાથ માગ્યો હતો. અને મસુદને વૈશ્ર્વિક આતંકી જાહેર કરવાના યુનોમાં રાજદ્વારી હિલચાલ સાથે વિધિસર પ્રસ્તાવ પસાર કરાવવાની વિધિ કરી હતી.
ચીને પુલવા (કાશ્મીર)માં આતંકી રકતપાતની કાળમૂખી ઘટનાને વખોડી હતી અને સત્તાવાર રીતે જણાવ્યું હતુ કે, જો અમારા અન્ય હિતોની રક્ષા કરવાની સ્થિતિ આવશે તો અમે આ વલણને બદલશું પણ ખરા !ચીને એ વખતે કરેલા સત્તાવાર નિવેદનની ભીતરમાં રહેલા દંભ-પાખંડની ગંધ પામી જ શકાઈ હતી!દેશના સર્વપ્રધાન ગૃહપ્રધાન અને વિચક્ષણ રાજપુરૂષ શ્રી વલ્લભભાઈ પટેલે છેક એ અરસામાં ‘પીળી ચામડી’ (અર્થાત ચીન) અને તૂર્કી ટોપી (અર્થાત પાકિસ્તાન)નો કયારેય ભરોસો નહિ કરવાની લાલબત્તી ધરી જ હતી.
દેશના સર્વપ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહે‚એ તે વખતના વૈશ્વિક રાજદ્વારી પ્રવાહને અનુલક્ષીને તેમની બિનજોડાણ -રાષ્ટ્રોની વિદેશ નીતિ હેઠળ ચીન સાથે કરેલા પંચશીલ-કરારનાં પ્રકાશમાં ‘હિન્દી ચીની ભાઈભાઈ’ના નારાઓ સુધી કરેલી દોસ્તીને ઠોકરે મારીને તેણે ભારત-ચીન સરહદ પર છૂપા સ્વાંગમાં લશ્કરી આક્રમણ કર્યું તથા યુધ્ધની પરિસ્થિતિ સર્જીને ભારતનાં વિશાળ મુલક પર કબ્જો જમાવીને તેના ઉપર હજુ પલાંઠી વાળીને બેઠું છે. એ વખતે જ ‘પીળી ચામડી’ પર મૂકાયેલા ભરોસાના દુષ્ટ પરિણામની આપણા દેશને જાણ થઈ છે.હજુ એ અરૂણાચલ પ્રદેશ પ્રતિ ટાંપીને બેઠું છે.
તદુપરાંત, ભારતીય જમ્મુ-કાશ્મીરનાં કબજાનો મનાતો ગીલગીટનો પ્રદેશ પાકિસ્તાન ચીનને અદલાબદલી ‚પે વેચી માર્યો છે. અને ચીને લશ્કરી રીતે વ્યૂહાત્મક ગણાતા એ પ્રદેશમાં પાકી સડક બાંધી લઈને ગમે ત્યારે ઉપયોગમાં લેવા રણગાડીઓ ખડી કરી લીધી છે!
આમ પાકિસ્તાનમાં પણ ચીનનો પગપેસારો જેવો તેવો નથી એ નોંધપાત્ર છે! ‘સામ્રાજયવાદ’ એ ચીનની રાજદ્વારી માનસિકતા છે…. અમેરિકા અને સોવિએત સંઘ (રશિયા) જયારે વિશ્ર્વની બે મહાસત્તા ગણાતા હતા તે વખતે કાશ્મીરમાં ‘લશ્કરી થાણુ’ ઉભું કરીને આખા એશિયા ખંડને પોતાની સત્તાવાહક આણ હેઠળ લેવાની મુરાદ અમેરિકા, રશિયા અને ચીન, એમ ત્રણેયની હતી. પૂર્વ અમેરિકી પ્રમુખ નિકસને એ માટેના પ્રયાસની પહેલ કરી હતી.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહે‚નો ઈરાદો રશિયા-ભારત અને ચીનનું સંયુકતબળ પ્રસ્થાપિત કરીને ‘યૂરોપીયન પ્રભાવ’ને ન્યુટ્રલાઈઝ કરવાનો હતો. તેમણે જ સામ્યવાદી ચીનના શિલ્પીઓ ‘માઓત્સેતુંગ’ ‘ચાંગ કાઈ શેક’ની એ વખતના એશિયાઈ મહારથીઓ સાથે રાજદ્વારી ઓળખાણ કરાવી હતી! આ બધું દર્શાવવાનું કારણ ચીન અને પાકિસ્તાન છૂપા સ્વાંગમાં એકનાએક હોવાનો ખ્યાલ આપવાનું છે.
મસુદના મુદ્દે યુનોમાં ભારતને ચીની વલણને કારણે પડેલો ફટકો ભારત સાથે ચીનનું આદાન પ્રદાન કેટલું દંભી અને ખોખલું છે. એ ખૂલ્લું પડી ગયા બાદ ભારતે એની વિદેશ નીતિનું તાત્કાલીક પૂનરાવલોકન કરવું પડશે લોકસભાની ચૂંટણીના અપેક્ષિત ચૂંટણી ઢંઢેરામાં ભાજપ પ્રેરત મોરચાએ તેની વર્તમાન વિદેશ નીતિમાં બદલાવને વણી લેવો જોઈશે અને મસુદ સંબંધી રાજકીય લડાઈ સંબંધમાં હવે ભારત શું કરશે તે વિષે પ્રજાને માહિતગાર કરવી જોઈશે.
યૂનોમાં મસુદના મુદ્દે ભારતની હારને વડાપ્રધાનની વિદેશનીતિની હાર એ ભારતની અને સમગ્ર વિશ્ર્વની સનસનીખેજ ઘટના છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નવી નવી સનસનાટીઓ જોવા મળશે એ નિર્વિવાદ છે.
ભારતને ધમરોળી રહેલા આતંકવાદી પરિબળો આખા વિશ્ર્વમાં વિસ્તરવાની આગાહી થઈ શકે છે. એમાંથી કોમી યુધ્ધની અને વંશીય યુધ્ધની ચિનગારીઓ પણ જન્મી શકે છે. ભારતનું અને વિશ્વનું ધુંધળું હવામાન વિકાસને અને ઉત્પાદકતાને રૂધે જ એ નિ:સંદેહ છે, અને એ નુકશાન સરવાળે આખી માનવજાતને ભોગવવું પડે, એમ કીધા વિના છૂટકો નથી.