ચીને ભારતને જણાવ્યું છે કે જો લદ્દાખમાં રસ્તાનું નિર્માણ થયું તો ડોકા લા વિવાદ વધુ ગંભીર બનશે. આમ કરીને ભારત પોતાના જ મોઢા પર તમાચો મારી રહ્યું છે. ચીનનો આરોપ છે કે ભારતની સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે. એક બાજુ ડોકા લા વિવાદનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ પેંગોંગ સેક્ટર નજીક રસ્તો બનાવીને ભારત મામલાને તૂલ આપી રહ્યું છે.
ચીનનું કહેવું છે કે જે જગ્યા પર રસ્તો બનાવવાની ભારતના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે તે પેંગોંગ ઝીલથી માત્ર 20 કિમીના અંતરે છે. આ એ જ જગ્યા છે જ્યાં ગત અઠવાડિયે ભારત અને ચીનના સૈનિકો પરસ્પર ભીડી ગયા હતાં અને બાદમાં એકબીજા પર પથ્થરમારો થયો હતો.
ડોકલામ વિવાદ
જૂન, 2017માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભૂતાનની સરહદ પર ભારે ધક્કામુક્કી થઈ હતી, જે ભૂતાનની ભારતને સંલગ્ન સરહદ પર નાથૂલા અને અન્ય સ્થાનો પર જોવા મળી હતી. જે બાદ તણાવ જોવા મળ્યો જે આજદિન સુધી યથાવત છે. ચીનના સૈનિકો ભૂતાનની જમીન સાથે રસ્તો બનાવવાના પ્રયાસો કરે છે જ્યારે ભારતીય સૈનિકો તેઓને આ મામલે રોકી રહ્યાં છે. ચીને ભૂતાનના પૂર્વમાં ચુમ્બી ઘાટી સુધી રસ્તો બનાવ્યો છે અને અહીં એક નદી પણ છે જેને એમેચો નદી કહેવામાં આવે છે. આ વિસ્તારને ચુમ્બી નદી ઘાટીના નામથી ઓળખવામાં આવે છે.
– ભારતીય આર્મીના જવાનોએ ચીની સૈનિકોના જીદ્દી વલણને જોતા સિક્કિમના ડોકલામ વિસ્તારમાં 9 જુલાઈથી પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. જેનો અર્થ છે કે ભારતીય આર્મી પણ આ ક્ષેત્રે લાંબા સમય સુધી રોકાવવાનો નિર્ણય કર્યો છે.
– ભારતે સખ્ત વલણ અપનાવતાં કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાંથી પીછેહટ નહીં કરે. આ વિસ્તારમાં ચીનને રસ્તો બનાવવા નહીં દેવાય. ભારતે ચીનની તે ચેતવણી પર ધ્યાન નથી આપ્યું જેમાં ચીને ભારતને કહ્યું છે કે તેઓ પોતાની સેના પરત બોલાવી લે નહીંતર સ્થિતિ વધુ બગડી શકે છે.