- આફ્રિકાની સુરક્ષા કરવાના નામે ચીન ત્યાં પ્રવેશ્યું, પણ ઈરાદો હિન્દ મહાસાગરમાં પ્રભુત્વ જમાવવાનો
ચીને દાવો કર્યો હતો કે તેનો જીબુટી લશ્કરી બેઝનો પ્રાથમિક હેતુ આફ્રિકામાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશન માટે સુરક્ષા અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનો છે, પરંતુ ઘણા નિષ્ણાતો માને છે કે તેનો વાસ્તવિક હેતુ ચીનને હિંદ મહાસાગર પ્રદેશ સુધી વધુ પહોંચ આપવાનો છે. આનો અર્થ એ થશે કે ચીની નૌકાદળના જહાજો હિંદ મહાસાગરના દરિયા કિનારાના દેશો સોમાલિયા, યમન, ભારત અને પાકિસ્તાનની અંદર પરિવહન માર્ગો પર વધુ આક્રમક રીતે પેટ્રોલિંગ કરી શકે છે.ચીન તેની સૈન્ય ક્ષમતાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આનો હેતુ ચીનની પોતાના હિતોની રક્ષા કરવાની ક્ષમતા અને વિદેશમાં પ્રોજેક્ટ પાવરને વધારવા અને એશિયા અને તેનાથી આગળ પ્રબળ લશ્કરી શક્તિ બનવાનો છે.
- ચીને વિશ્વભરમાં ઓફિસના નામે 100 પોલીસ સ્ટેશન ખોલી દીધા!!
- અમારા પ્રવાસી નાગરિકોની મદદ માટે ઓફિસ કાર્યરત કરાઈ છે : ચીનનો લુલો બચાવ
ચીને વિશ્વમાં પોતાની ધાક જમાવવાના પ્રયાસમાં કોઈ કસર છોડી નથી. વહકને વિશ્વભરમાં 100થી વધુ પોલીસ સ્ટેશન ખોલી દીધા છે. ચીને પોતાના નાગરિકોની મદદ માટે ઓફિસના નામે આ પોલીસ સ્ટેશન ખોલ્યાનું બહાર આવ્યું છે.સીએનએનના સહભાગી સેફગાર્ડ ડિફેન્ડર્સના રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, બેઈજિંગે દેશનિકાલ કરવામાં આવેલા ચીનના નાગરિકો પર દેખરેખ રાખવા, તેમને હેરાન કરવા અને પાછા સ્વદેશ લાવવા માટે વિદેશોમાં સોથી વધુ કથિત પોલીસ સ્ટેશન ખોલ્યા છે.ચીનના વિદેશ મંત્રાલયનું આ અંગે કહેવું છે કે, વિદેશોમાં આ ઓફિસ પ્રવાસી ચીની નાગરિકોની સુવિધા માટે ખોલવામાં આવી છે. તેનું મૂળ કામ નાગરિકોને વિઝા, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે દસ્તાવેજ અપાવવાનું છે. કોવિડના સમયમાં આ ઓફિસો ખોલવામાં આવી હતી. જો કે, સીએનએનનો દાવો છે કે આ પોલીસ સ્ટેશન કોવિડના ઘણાં સમય પહેલાથી કાર્યરત છે.ચીને એ પણ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન બીજા દેશમાં ફસાયેલા ચીની નાગરીકોની મદદ માટે આ પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. સેફગાર્ડ ડિફેંડર્સના આરોપોના જવાબ આપતા ચીને કહ્યું કે, આ સેંટર વોંલિટિયર્સ દ્વારા સંચાલિત છે, ગૃપની રિપોર્ટ કહે છે કે, એક પોલીસ નેટવર્કે પોતાના પહેલા 21 સ્ટેશનો માટે કુલ 135 લોકોને કામ પર લગાડ્યા હતા. આ પોલીસ સ્ટેશનોને લઇને રિપોર્ટ બહાર આવ્યા બાદ 13 અલગ અલગ દેશોમાં તપાસ શરુ કરવામાં આવી હતી. ચીન અને કેનેડા જેવા દેશો વચ્ચે તણાવ પણ વધી ગયો છે.
- ચીનની સરહદ 13 દેશોને સ્પર્શે છે, પણ ચીનને વાંધો છે અડધા વિશ્વ સાથે
ચીન વિશ્વનો એક એવો દેશ છે જેની સરહદ સૌથી વધુ 13 દેશો સાથે છે. ચીન ભારત, મ્યાનમાર, અફઘાનિસ્તાન, ભૂતાન, રશિયા, લાઓસ, મંગોલિયા, નેપાળ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉત્તર કોરિયા, તાજિકિસ્તાન, વિયેતનામ સાથે સરહદ ધરાવે છે. ભારત અને ચીન વચ્ચેની સરહદનું નામ મેકમોહન લાઇન છે.માત્ર ભારત જ નહીં પરંતુ ચીનના અન્ય ઘણા દેશો સાથે સરહદને લઈને મતભેદ છે. ચીનનો લગભગ 23 દેશો સાથે સીમા વિવાદ છે. જેમાંથી ચીન ઘણા દેશો સાથે સરહદ વહેંચતું નથી પરંતુ ચીન તેમને પોતાનો દાવો કરે છે. આ વિવાદોમાં દરિયાઈ સીમાનો વિવાદ પણ સામેલ છે.ચીનનો ઈન્ડોનેશિયા સાથે પણ સીમા વિવાદ છે કારણ કે ઈન્ડોનેશિયા ચીન સમુદ્રમાં એક વિશાળ વિસ્તાર પર અધિકાર ધરાવે છે અને ચીન તેને પોતાનો હિસ્સો માને છે.
એ જ રીતે ચીનનો જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપાઈન્સ, કંબોડિયા, મંગોલિયા, ભૂતાન, ઉત્તર કોરિયા, ભારત, બ્રુનેઈ, લાઓસ અને અન્ય દેશો સાથે વિવાદ છે.ચીન તેની સરહદ અન્ય ઘણા દેશો સાથે વહેંચે છે. જેમાંથી એક પાકિસ્તાનથી પણ આવે છે. પરંતુ ભારત તેનું સમર્થન કરતું નથી. કારણ કે જે વિસ્તાર સાથે સરહદ જોડાયેલ હોવાનો દાવો કરવામાં આવે છે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે જેને ભારત પોતાનો અભિન્ન અંગ માને છે.ભારત ચીન સાથે 3488 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. જેમાં ભારતના પાંચ રાજ્યો લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ ચીન સાથે સરહદ ધરાવે છે. જેના કારણે ભારતનો ચીન સાથે પણ સીમા વિવાદ છે.
- આ 18 દેશો સાથે ચીનનો સરહદ વિવાદ
તાઈવાન:
ચીન સમગ્ર તાઈવાન પર પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરતું રહ્યું છે. તાઈવાન એ સમુદ્રી ટાપુ પર આવેલો દેશ છે, જે ભૂતકાળમાં ક્યારેક ચીન અને ક્યારેક જાપાનનો ભાગ રહ્યો છે.
ફિલિપાઈન્સ:
ચીન સ્કારબોરો રીફ અને સ્પ્રેટલી ટાપુઓ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વિવાદમાં અમેરિકાએ ફિલિપાઈન્સને સમર્થન આપ્યું છે.
ઈન્ડોનેશિયા:
ચીન નાટૂન ટાપુઓ અને દક્ષિણ ચીન સાગરના અન્ય કેટલાક ભાગોને જોડવામાં વ્યસ્ત છે. ચીને આ વિસ્તારમાં ઘણી વખત ઘૂસણખોરી કરી છે.
વિયેતનામ:
ચીન વિયેતનામના મોટા ભાગ પર પોતાનો દાવો કરે છે. આમાં પેરાસલ ટાપુઓ, સ્પ્રેટલી ટાપુઓ અને દક્ષિણ ચીન સમુદ્રના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.
મલેશિયા:
ચીન અને મલેશિયા વચ્ચેનો વિવાદ મુખ્યત્વે સ્પ્રેટલી ટાપુઓને લઈને છે. ચીને પણ અહીં ઘણી વખત ઘૂસણખોરી કરી છે.
જાપાન:
હાલમાં, આ બે દેશો વચ્ચે દરિયાઈ વિવાદનું કારણ સેનકાકુ ટાપુઓ અને ર્યુક્યુ ટાપુઓ છે. ચીન પણ જાપાનના અધિકારક્ષેત્ર હેઠળના આ ટાપુઓ પર દાવો કરતું રહ્યું છે.
દક્ષિણ કોરિયા:
દક્ષિણ કોરિયા અને ચીન પૂર્વ ચીન સમુદ્રમાં સોકોટ્રા રોક અથવા સુયોન રોકને લઈને લાંબા સમયથી સામસામે છે. દક્ષિણ કોરિયા આ વિસ્તારોને પોતાનો વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર કહે છે.
ઉત્તર કોરિયા:
ચીન અને ઉત્તર કોરિયા વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ જાપાન સમુદ્રનો વિસ્તાર છે. જો કે હાલ દક્ષિણ કોરિયા અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા છે.
સિંગાપોર:
દક્ષિણ ચીન સાગરના કેટલાક વિસ્તારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશોએ જૂન-2019માં દરિયાઈ સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આમ છતાં વિવાદ યથાવત છે.
બ્રુનેઈ:
ચીન અને બ્રુનેઈ વચ્ચે સ્પ્રેટલી ટાપુઓના ભાગો અને સમુદ્રના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા કેટલાક વિસ્તારોને લઈને પ્રાદેશિક વિવાદ છે.
ભારત:
ચીને અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક વિસ્તારો સહિત કુલ 43 હજાર ચોરસ કિલોમીટર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો .
નેપાળ:
ચીન નેપાળના અમુક હિસ્સાને તિબેટનો વિસ્તાર ગણાવીને તેનો હિસ્સો હોવાનો દાવો કરે છે. આ વર્ષે જૂનમાં ચીને નેપાળના રુઈ ગામને તિબેટનો ભાગ હોવાનો દાવો કરીને કબજો કરી લીધો હતો.
ભૂટાન:
ચીન ભૂટાનના ઘણા ભાગો અને પૂર્વીય વિસ્તારના મોટા ભાગ પર દાવો કરે છે. ચીને પોતે 5 જુલાઇ 2020 ના રોજ ભૂટાન સાથે સરહદ વિવાદ સ્વીકાર્યો હતો.
લાઓસ:
તાઈવાનની જેમ ચીન પણ લાઓસને પોતાના દેશનો ભાગ કહે છે. જેને લઇને વિવાદ ચાલી રહ્યો છે.
મંગોલિયા:
સ્વાયત મંગોલીયા ઉપર ચીન પોતાનો અધિકાર દાખવે છે. વર્ષ 2015માં બંને દેશ આ અંગે સામસામે આવ્યા હતા.
મ્યાનમાર:
ચીનનો મ્યાનમાર સાથે વર્ષ 1960માં એક કરાર થયો હતો તેમ છતાં વિવાદ ચાલી રહ્યો છે.
તિબેટ:
ચીને વર્ષ 1950માં હિમાલયના આ દેશ પર કબજો જમાવ્યો હતો. બાદમાં દલાઈ લામાને ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો.
પૂર્વ તુર્કીસ્તાન:
ચીને 1949માં પૂર્વ તુર્કીસ્તાન પર કબજો કર્યો હતો. ડ્રેગન તેને શિનજિયાંગ પ્રાંતના નામથી તેના દેશના ભાગ તરીકે વર્ણવે છે.