ગામડાના આગેવાનો અને મતદારોએ કહ્યું, તમે આ પંથકના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે ત્યારે ચૂંટણીમાં અમે તમને કેમ ભૂલીએ ?
જામજોધપુર, ભાણવડ, લાલપુર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાની તરફેણમાં ભાણવડ પંથકના ૧૪ ગામોનો ઝંઝાવતી પ્રવાસ કરતા આ તમામ ગામોના મતદારોએ ચિમનભાઈ સાપરીયાને જ તોતીંગ બહુમતીથી વિજયી બનાવવા કોલ આપ્યો.
ચિમનભાઈ સાપરીયા અને અગ્રણીઓએ ભાણવડ પંથકના ચોખંડા, સુપેડી, શેઢાખાઈ, કબરકા, જોગરી, ભોરીયા, ફોટડી, બોકડી, ધારાગર, માનપર, કૃષ્ણગઢ, વાનાવડ, કાટકોલા વગેરે ગામોની મુલાકાત લઈ આગેવાનો સાથે બેઠક કરતા આ ગામોના તમામ જ્ઞાતિ અને સમાજના લોકોએ ચિમનભાઈની તરફેણમાં મતદાન કરવા ખાતરી આપી હતી. આગેવાનોએ ગ્રામજનોને જણાવ્યું કે, ચિમનભાઈ સાપરીયાએ ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી તરીકે આ પંથકની ખેવના કરી છે એ કેમ ભૂલાય ?
ચિમનભાઈ સાપરીયાએ આ તમામ ગામના અગ્રણીઓને જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપની સરકાર જ બનવાની છે એટલે આ પંથકના વિકાસ માટે કોઈ કચાશ રહેવા નહીં દઈએ. આ વિસ્તારની જે કંઈ પ્રાથમિક જરૂરીયાતો અને માંગણી હશે તે વહેલીતકે પુરી કરવામાં આવશે. ગામડાનો અને છેવાડાનો માનવી પણ તમામ સુવિધા પ્રાપ્ત કરે એવો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો કોલ છે ત્યારે આ પંથકને આગામી દિવસોમાં ઘણો લાભ મળવાનો છે.
મતદારોએ પણ જણાવ્યું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી વિકાસની ગતીવિધિ વેગીલી બની છે. આ ગતીને વધુ વેગીલી બનાવવા આ પંથકના લોકોનો મત કમળની તરફેણમાં જ પડશે કેમ કે કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપનું શાસન હોય તો મતદારોને પણ તેનો લાભ મળે. વળી આ પંથકમાં ચિમનભાઈ સાપરીયા ઘણા વર્ષોથી સેવારત છે એટલે તેઓ લોકોની નાડ પારખે છે અને આ પંથકની જ‚રીયાતથી સંપૂર્ણપણે વાકેફ છે. ગુજરાતની સાથે જામજોધપુર, ભાણવડ, લાલપુર પંથકને પણ વિકાસના ધોરીમાર્ગ પર દોડાવવા માટે ૧૪ ગામના આગેવાનો અને મતદારોએ ચિમનભાઈ સાપરીયાને જ જંગી બહુમતીથી વિજયી બનાવવા વચન આપ્યું અને નિર્ધાર કર્યો છે.