ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 5.6 ડિગ્રીએ પહોંચી ગયો: રાજકોટમાં પણ લધુતમ તાપમાનનો પારો પટકાયો
શિયાળો વિદાય લઇ રહ્યો છે અને ધીમી ગતિએ ઉનાળાનો પગરવ થઇ રહ્યો છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ઠંડીનું જોર વઘ્યું હતું. વહેલી સવારે બર્ફિલા ઠારનો અહેસાસ થતો હતો અનેક વિસ્તારોમાં ઝાકળ વર્ષા પણ થવા પામી હતી. સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જયારે બપોરના સમયે ઉનાળા જેવા આકરા તડકાનો અહેસાસ થઇ રહ્યો છે. આજે જુનાગઢમાં ગીરનાર પર્વત પર લધુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી જવા પામ્યો હતો. ઠંડીનો આ અંતિમ રાઉન્ડ હોવાનું મનાય રહ્યું છે.
આજે રાજકોટનું લધુતમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. ગઇકાલની સરખામણીએ આજે તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સવારના સમયે ઠારનો અહેસાસ થતો હતો. આજે જુનાગઢનું લધુતમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું હતું. જુનાગઢ આજે રાજયનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. જુનાગઢ શહેર કરતાં ગીરનાર પર્વત પર તાપમાન પાંચ ડિગ્રી ઓછું રહે છે. આજે ગીરનાર પર્વત પર તાપમાન 5.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા અને પવનની સરેરાશ ઝડપ 2.6 કી.મી. રહેવા પામી હતી.
આ ઉપરાંત અમદાવાદનું લધુતમ તાપમાન 12 ડિગ્રી, બરોડાનું લધુતમ તાપમાન 15 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 16 ડિગ્રી, દિવનું તાપમાન 12.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 10.4 ડિગ્રી, કંડલાનું તાપમાન 16.5 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 15.2 ડિગ્રી, સુરતનું તાપમાન 16 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું હતું.
શિયાળાની સીઝન હવે વિદાય લેવા તરફ આગળ વધી રહી છે. ઉનાળાના પગરવ થઇ રહ્યા છે. હજી એકાદ મહિનો એટલે હોળીના તહેવાર સુધી મીશ્ર ઋતુનો અનુભવ થશે. સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે જયારે બપોરના સમયે ઉનાળા જેવા આકરા તડકા અનુભવાશે.
અનેક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઇ રહી છે જેના કારણે હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.