ગોંડલ પંથકમાં આ વર્ષે મરચાનું બમણું વાવેતર: બીજા ક્રમે મગફળી
કોટડાસાંગણી પંથકમાં પણ મરચાનું વધુ વાવેતર
ગોંડલ પંથકમાં આ વખતે સૌથી વધારે મગફળી અને બ્રીજા નંબરે મરચાનું વાવેતર થયું છે.ગોંડલ પંથકમાં વાવણી બાદ પાકનું ચિત્ર બદલાતું જોવા મળ્યું છે. ગોંડલ પંથકમાં ખેડૂતો વાવણી સમયે મુખ્યત્વે કપાસ, મગફળી અને મરચા સહિતના પાકોનું વાવેતર કરતાં હોય છે. પરંતુ ગત વર્ષે ખેડૂતો કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ,કપાસ ઉતારવાની મજૂરીના વધારા સામે કપાસના પોષણક્ષમ ભાવો ન મળ્યા હોવાના કારણે મોટાભાગના ખેડૂતોએ કપાસના પાકનું વાવેતર કરવાનું માંડી વાળ્યું છે. ગોંડલ પંથકમાં બદલાતા પાકના ચિત્રની સાથે કપાસની જગ્યાએ મગફળી અને બીજા નંબરમાં મરચાએ વાવેતરમાં સ્થાન લીધું છે.
ગોંડલ પંથકમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા ઘણાં ખેડૂતોને ગતહ વર્ષનો કપાસ વહેંચવો મુશ્કેલ બન્યો છે.જેની સામે ગત વર્ષે મરચા પકવતા ખેડૂતોને નવી સંશોધીત મરચાના હાઈબ્રીડ બિયારણોની જાતો સાથેના મરચાના અઢળક ઉત્પાદન અને પોષણક્ષમ ભાવોએ ગોંડલના ખેડૂતોને માલામાલ કરી દીધા હતાં.
રાજકોટ જિલ્લામાં દર વર્ષે મરચાનું વાવેતર ૩૫૦૦/- હેકટરમાં જોવા મળતું હોય છે.પરંતુ ગતહ વર્ષે મરચાંમાં અઢળક ઉત્પાદન અને પોષણક્ષમ ભાવોની સાથે ખેડૂતો માલામાલ થતાં ગોંડલ ઉપરાંત કોટડાસાંગાણી સહિતના પંથકમાં મરચાના વાવેતરમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.આ વર્ષે મરચાં નું ડબલ કરતાં વધુ એટલે કે ૮૦૦૦ હેકટર કરતાં વધું વાવેતર થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.
દર વર્ષે મરચાના ઉત્પાદન સમયે સિઝનમાં દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ ગોંડલીયા મરચાથી ગોંડલ માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાઈ જતું હોય છે.પરંતું આ વર્ષે ગોંડલ પંથકમાં બદલાયેલા પાકના ચિત્રની સાથે તીખા તમતમતા મરચાનું વાવેતર ડબલ કરતાં વધું જોવા મળ્યું છે. ત્યારે ઉત્પાદન સમયે ખેડૂતોને મરચા આ વર્ષે પણ માલામાલ કરશે કે તીખા લાગશે એ જોવાનું રહ્યું.