વ્યભિચારના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી: સર્વોચ્ચ અદાલતે છુટાછેડા કે સમાધાન માટે નીચેની કોર્ટમાં જવા કર્યો આદેશ
પ્રાથમિક પુરાવા વગર સીધો ડીએનએ ટેસ્ટ કરાવી બાળકના ભવિષ્ય પર પ્રશ્ર્નાર્થ ચિન્હ મુકી દેવાના આરોપમાં દેશની સર્વોચ્ચ અદાલતે વ્યભિચારના પુરાવા વગર બાળકનું ડી.એન.એ ટેસ્ટ ન કરાવી શકાય તેમ જણાવી મુંબઈની હાઈકોર્ટનો હુકમ રદ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, મુંબઈ ખાતે રહેતા દંપતિએ 2008માં લગ્ન કર્યા હતા અને 2011માં પુત્રીની પ્રાપ્તી થઈ હતી. લગ્નના છ વર્ષ બાદ પતિએ છુટાછેડાની અરજી દાખલ કરી હતી ત્યારબાદ તેણે બાળકના ડીએનએ પરીક્ષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને તેણે તેની છુટાછેડાની અરજીમાં બાળકની કાયદેસરતા પર શંકા ઉભા કરી નહોતી.
દંપતિ વચ્ચેનો વિવાદ નીચેની કોર્ટથી શરૂ થયા બાદ મુંબઈ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતની ખંડપીઠ સમક્ષ આ અરજીની સુનાવણી થઈ હતી જેમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ મુંબઈ હાઈકોર્ટ ડીએનએ કરાવવાના હુકમને રદ કરી ઠરાવ્યું હતું કે, પ્રાથમિક પુરાવા કયાં છે ! વ્યભિચારના આક્ષેપથી સીધો ડીએનએ ટેસ્ટ કરાવવાથી બાળકના ભવિષ્ય પર વિપરીત અસર પડે છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે વ્યભિચારના કિસ્સામાં પ્રતિવાદી દ્વારા પ્રાથમિક પુરાવાના અભાવે ડીએનએ પરીક્ષાનું સંચાલન જે ગૌણ પુરાવા છે તે પસાર થવું જોઈએ નહીં અને આ ઓર્ડર બાજુ પર રાખ્યો છે તેમ જણાવી બંને પક્ષે વ્યભિચાર અને ડીએનએ ટેસ્ટનો મુદ્દો ફરીથી નીચલી કોર્ટમાં ઉઠાવવાના બદલે છુટાછેડા કે સમાધાન માટે જવું જોઈએ. બંને પક્ષના વકીલોએ તેમના અસીલોને જણાવવા માટે સહમત થયા હોવાથી ખંડપીઠે વિવાદના સમાધાન માટે બુધવારે સુનાવણી મુલતવી રાખી છે.